ભાવનગર : શિયાળાની કડકડતી ઠંડીમાં ઠરતા લોકો માટે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના શેલ્ટર હોમ આશીર્વાદરૂપ બન્યા છે. પરપ્રાંતીય મજૂરો ગુજરાત સરકારનો આભાર પણ માની રહ્યા છે. ETV BHARAT ટીમે આ શેલ્ટર હોમની મુલાકાત લઈને આશ્રય લેનાર લોકોનો અનુભવ અને UCD વિભાગની કામગીરી ચકાસી હતી.
મજૂરોનો આશ્રય શેલ્ટર હોમ : શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે રસ્તા પર સુતા લોકો માટે ભાવનગર મહાનગરપાલિકા હસ્તક ખાસ શેલ્ટર હોમ કાર્યરત છે, UCD વિભાગ તેની જવાબદારી નિભાવે છે. ત્યારે ETV BHARAT ટીમે સરદારનગર શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. શેલ્ટર હોમની સ્થિતિ અને UCD વિભાગની કાર્યવાહી વિશે માહિતી મેળવી હતી. ચાલો જાણીએ...
પરપ્રાંતીય મજૂરો માટે આશીર્વાદરૂપ : ભાવગનરના સરદારનગર શેલ્ટર હોમમાં પરપ્રાંતીય મજૂરો આશ્રય લઈ રહ્યા છે. આ શેલ્ટર હોમમાં રહેતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમે મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના છીએ. અહીં મજૂરી કામ કરવા માટે આવેલા છે. અમારા પાસે રહેવાની સગવડતા નહોતી, પણ અહીંયા આશરો મળ્યો છે. અહીંયા બધી સુવિધા છે. અમે સવારે 8 વાગે કામે જતા રહીએ અને રાત્રે અહીંયા આવીને સુઈએ છીએ.
શેલ્ટર હોમની સુવિધા અને વ્યવસ્થા : અન્ય એક લાભાર્થી ભવરલાલ રાણાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં અમે ત્રણ ચાર વર્ષથી રહીએ છીએ. ભાવનગર સરદારનગર સેન્ટર ઉપર અમે રહીએ છીએ. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર અને અમને ગુજરાતની સંસ્કૃતિ ઉપર વિશ્વાસ છે. અહીંયા બધી સુવિધા સારી છે. રમીલાબેને જણાવ્યું હતું કે અહીંયા સારી વ્યવસ્થા છે. જેમાં સુવાની, રહેવાની, રાંધવાની અને નાહવાની દરેક વ્યવસ્થા છે.
ભાવનગરના શેલ્ટર હોમ અને ક્ષમતા : UCD વિભાગના અધિકારી દેવાંગીબેન મહેતાએ જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકા હસ્તક શિવાજી સર્કલમાં શોપિંગ સેન્ટર, સરદારનગર, ગંગાજળિયા, જનતા તાવડા અને સુભાષનગર ખાતે એમ કુલ પાંચ સેન્ટર કાર્યરત છે. જેમાં સુભાષનગર, શિવાજી સર્કલ અને સરદારનગરના સેન્ટર 120 માણસોની વ્યવસ્થા ધરાવે છે. ગંગાજળિયા તળાવના સેન્ટરમાં 211 લોકો અને જનતા તાવડા રેલવે સ્ટેશન પાસે આવેલા સેન્ટરમાં 112 લોકોની ક્ષમતા છે. હાલ તમામ શેલ્ટર હોમાં કુલ સંખ્યાની 50 થી 60 ટકાની ઓક્યુપેન્સિ છે.
કેવી રીતે મળે છે શેલ્ટર હોમનો લાભ ? દેવાંગીબેને વધુમાં જણાવ્યું હતું કે, રસ્તા પરથી કોઈ દેખાઈ આવે તો કોઈ સારા નગરજનોને એવું લાગે કે શિફ્ટ કરવા છે, તો એ અમને ફોન કરતા હોય છે. અમે ઘણા લોકોને રેસ્ક્યુ કરીયે છીએ અને ઘણા જાતે મૂકી જાય છે. એ સિવાય શિયાળ દરમિયાન ડિસેમ્બર માસથી અમારી ડ્રાઈવ ચાલે છે. જે લોકો રસ્તા પર હોય છે એને સમજાવીને મનાવીને સેન્ટર પર લાવવામાં આવે છે.