અમદાવાદ : હાલમાં જ અમદાવાદ પોલીસે એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે વરિષ્ઠ મહેસૂલ અધિકારી તરીકે ઓળખ આપી છે. આરોપીએ લોકોને છેતરવા માટે વિવિધ સરકારી વિભાગના અધિકારી હોવાનો દાવો કરતા નકલી પત્રોનો ઉપયોગ કર્યો હતો.
નકલી IPS મેહુલ શાહ : આરોપી મેહુલ શાહ એન્જિનિયર છે અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં બે શાળાઓનું સંચાલન કરે છે. તેના પર બોગસ દસ્તાવેજો અને ખોટા દાવાઓ સાથે લાખો રૂપિયા કમાવવાનો આરોપ છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં કોઈ સત્તાવાર હોદ્દો ન હોવા છતાં, તેણે લાખો રૂપિયાની લોકોને છેતરવા માટે નકલી વર્ક પરમિટ અને NOC નો ઉપયોગ કર્યો છે.
લાખો રૂપિયાની છેતરપિંડી આચરી : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI જે. કે. મકવાણાએ જણાવ્યું કે, મેહુલ શાહે ફરિયાદીના પુત્રને સરકારી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી આપવા માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસેથી નકલી નિમણૂક પત્ર બનાવ્યો હતો. તેણે પોતાની જાતને એક શાળાના ટ્રસ્ટી તરીકે પણ રજૂ કર્યો હતો. ઉપરાંત તેણે એક વ્યક્તિને શાળાની ઇમારતની પેઇન્ટિંગ માટે 7 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા.
લાલબત્તિ વાળી ગાડી પણ લીધી : એક ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી મહેુલ શાહે પોતાને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. ઉપરાંત તેને ભાડે આપેલા વાહનમાં સાયરન અને પડદો લગાવવા માટે "વિજ્ઞાન અને સંશોધન વિકાસ વિભાગ" ના અધ્યક્ષ તરફથી નકલી પત્ર બનાવ્યો હતો, પરંતુ આ કામ માટે ચૂકવણી કરી ન હતી.
અધધ વિભાગના ખોટા ઓળખકાર્ડ : આરોપીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અમદાવાદ DEOના હોવાનો દાવો કરતા બોગસ પત્રોનો ફરિયાદીઓને છેતરવા માટે ઉપયોગ કર્યો હતો. પોલીસને આરોપી પાસેથી "ભારત ગૌરવ રત્ન શ્રી સન્માન પરિષદ", "વિજ્ઞાન અને સંશોધન વિકાસ વિભાગના અધ્યક્ષ", "આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ", અને "માર્ગ અને મકાન વિભાગ" ના નકલી ઓળખકાર્ડ અને પત્રો મળી આવ્યા છે.
આરોપી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી : પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, આરોપી દ્વારા થયેલી છેતરપિંડીનો ભોગ બનનાર ત્રણ લોકોની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને જો તેઓ આરોપી મેહુલ શાહ દ્વારા કોઈપણ રીતે છેતરાયા હોય તો તેમની ફરિયાદો રજૂ કરે. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.