વલસાડ : જિલ્લાનો ઉમરગામ તાલુકો દરિયા કાંઠે આવેલો તાલુકો છે. ઉમરગામ શહેર દરિયા કાંઠે આવેલું શહેર છે. તેવામાં અહીંનો બીચ વર્ષોથી લોકોને આકર્ષી રહ્યો છે. જો કે હાલમાં લોકડાઉન લાગુ હોય કોરોનાની મહમારીએ હાહાકાર મચાવ્યો હોય લોકોની અવરજવર થંભી ગઈ હતી. લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની ફરજ પડયા બાદ લોકડાઉનમાં કેટલીક છૂટ આપી છે. આ છૂટને કારણે હવે બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.
આવી જ ચહલપહલ ઉમરગામના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયા કિનારે લોકો રવિવારની મોજ માણતા જોવા મળ્યા હતાં. જેમાં અનેક યુગલો દરિયાની ભીની રેતીમાં મસ્તીમાં મશગુલ હતાં. કેટલાક પરિવારો બાળકો સાથે આવ્યા હોય બાળકો રેતીમાં રમતા હતાં. અન્ય કેટલાક લોકો સાંજનું વોકિંગ કરવા કિનારા પર આવ્યા હતાં. તો, કેટલાક ઢળતા સૂરજ સાથે સેલ્ફીની મોજ માણતા હતા.
રવિવારે લોકડાઉનના 2 મહિના બાદ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળી હતી. જાણે કે હવે કોરોનાનો કોઈ જ ખતરો ન હોય તેમ તમામ લોકો બિન્દાસ પોતાની મસ્તીમાં મસ્ત બની ફરતા જોવા મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે રવિવારે જિલ્લામાં નોંધાયેલા 4 પોઝિટિવ કેસમાં 2 ઉમરગામ તાલુકાના છે, ત્યારે એક તરફ કોરોના પોઝીટીવ આંકડો વધી રહ્યો છે ને બીજી બાજુ લોકો આ રીતે દરિયા કિનારે મોજ માણી રહ્યા હોય વહીવટી તંત્રની ચૂક કે છૂટ છતી થઈ હતી.