વલસાડઃ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગામોમાં પાણીની સમસ્યા દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાની કામગીરીનું જાત નિરીક્ષણ રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ કર્યુ હતું. આ સમયે કપરાડા તાલુકાના ફતેપુર પાસેના ઇન્ટેક વેલ, તિસ્કરી જંગલ ખાતે પંપીગ સ્ટેશન, પેંઢારદેવી અને ખૂંટલીની મીની પાઇપલાઇનની મુલાકાત લઇ કામગીરીનો તાગ મેળવ્યો હતો.
આ તકે રાજ્ય પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજયના પ્રધાન વિજય રૂપાણીએ પણ પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે ચિંતા વ્યકત કરી છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરની પ્રજાજનો માટેની અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનો ફેઇઝ-1 જુન 2021 સુધીમાં પૂર્ણ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. ધરમપુર, વલસાડ અને પારડીના બાકી રહેતા ગામોને અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના સાથે કેવી રીતે જોડી શકાય તે માટે કાર્યવાહી શરૂ છે.
મુખ્ય ઇજનેર બી.પી.પટેલે અસ્ટોલ પાણી પુરવઠા યોજના હેઠળ ધરમપુર અને કપરાડાના ગામોમાં કેવી રીતે પાણી પહોંચાડવામાં આવશે તે નક્શા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન નાયબ દંડક આર.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, નવસારીના ધારાસભ્ય પીયુષભાઇ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઇ પટેલ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.