ભાજપ શાસિત વલસાડ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં બાંધકામ સિમિતિના ચેરમેન રમકાડા રમતા જોવા મળ્યા હતા. તેમને આક્ષેપ કર્યો છે. કે ખુદ ભાજપ શાસિત પાલિકામાં પક્ષના જ સભ્યોના વિકાસકાર્યો થતા નથી. જેથી પોતાની નારાજગી દર્શાવવા તેમને આ અનોખી રીત અપનાવી હતી.
પાલિકા સ્થિત અટલબિહારી બાજપાઈ સભાખંડમા 11 કલાકે યોજાયેલી સામાન્યસભામાં બંધકામ સમિતિના ચેરમેન ઉજેશ પટેલ મોં ઉપર પટ્ટી બાંધીને આવ્યા હતા. ઉપરાંત અહીં તેઓ રમકડું પણ લઈ આવ્યા હતા. જેના કારણે સામાન્ય સભામાં આવેલા તમામ લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયુ હતુ. ચાલુ સભા દરમિયાન તેઓ પોતાના ટેબલ ઉપર રમકડું રમી રહ્યં હતા. આ અંગે તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે તેમની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવે છે.
બીજીતરફ નગરપાલિકાના અપક્ષ સભ્ય રાજુભાઈ અને ચીફ ઓફિસર વસાવા વચ્ચે બાંધકામ દૂર કરવા બાબતે ઉગ્ર દલીલો અને રજૂઆતો થઈ હતી. શાબ્દિક તોપમારા વચ્ચે સભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. છેલ્લી બે વખતથી યોજાતી સામાન્ય સભામાં વલસાડ પાલિકા ઈજનેર હિતેશભાઈ હાજર ન રહેતા વિપક્ષના સભ્યોએ પણ આ બાબતે રજૂઆત કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. સવારે 11 વાગે શરૂ થયેલી સભા બપોરના સાડા ત્રણ સુધી ચાલી હતી.