વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી સ્ટેટ હોસ્પિટલ કપરાડાના જ નહી, પરંતુ વાંસદા મહારાષ્ટ્રના લોકો પણ અહીં સારવાર માટે આવે છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં થતી પ્રસુતિના કેસો કરતા ધરમપુરમાં પ્રસુતિના કેસ વધુ નોંધાય છે. તેથી જ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોનું મહેકમ વધારવામાં આવે તેવી માગ ઊઠી છે.
રાજ્ય કક્ષાના પ્રધાન કુમાર કાનાણીએ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લેબોરેટરી પ્રસુતિ વોર્ડ, મેલ ફીમેલ વોર્ડ દરેક સ્થળની સ્વયં મુલાકાત લઈ દર્દીઓ પાસેથી આપવામાં આવતી સારવાર અંગેની જાણકારી મેળવી હતી. સાથે સાથે હોસ્પિટલના મહેકમ અંગેની જાણકારી મેળવી હતી. જેમાં સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, હોસ્પિટલમાં તબીબોની સંખ્યા ઓછી છે અને સ્ટેટ હોસ્પિટલમાં બ્લડબેંક ન હોવાથી લોકોને વલસાડ કે વાપી સુધી જવુ પડે છે.
જો કે, આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટેટ હોસ્પિટલમાં બ્લડ બેંક શરુ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે, પરંતુ હજુ સુધી તે માટેના સાધનો ન આવતા તે શરુ થઇ શકી નથી. સાથે જ જો સ્ટેટ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવે તો, અહીં તબીબોની ઘટને નિવારી શકાય છે. આ બાબતે પ્રધાન કુમાર કાનાણીએ રજુઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમની સાથે પારડી, વલસાડ ધરમપુરના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર આરોગ્ય આધિકારી સહીત અનેક સરકારી આધીકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.