વલસાડ: શહેર-જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને સરકારી કચેરીમાં સંક્રમણ ન વધે તેવા હેતુથી જિલ્લા કલેકટર દ્વારા આગામી તારીખ 31 જુલાઈ સુધી મામલતદાર કચેરીઓમાં કેટલાક કામકાજો બંધ રાખવા માટેની સુચના આપવામાં આવી છે. જેને લઈને આજથી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ બંધ રહેશે.
મામલતદાર કચેરીમાં જરૂરી એવા માં અમૃતમ કાર્ડ અને અન્ય આરોગ્યલક્ષી કાર્ડ માટેના પ્રમાણપત્રો આપી શકાશે. જ્યારે જમીન દફતરના કામો તેમજ અન્ય સ્ત્રીઓ રદ કરવી જેવા કામો 31 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જેને લઇને આજથી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓએ કચેરી બંધ હોવાના સાઇનબોર્ડ ગેટની બહાર લટકાવ્યા છે. આજે વહેલી સવારથી મામલતદાર કચેરીએ આવેલા અનેક લોકો અટવાયા હતાં.
મહત્વનું છે કે વાપી મામલતદાર કચેરીના એક કર્મચારી અને પારડી નગરપાલિકાના સિનિયર ક્લાર્કનું સારવાર દરમિયાન મોત થયા બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. સંક્રમણ ન વધે તે માટે મામલતદાર કચેરીઓ આગામી તારીખ 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.