સુરતમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે દરેક ટ્યૂશન ક્લાસીસ સંચાલકો દ્વારા ફાયર અને સેફટીના સાધનો રાખવા ખૂબ જરૂરી છે, તે અંગેની સતર્કતાની સાથે-સાથે ટ્યૂશન ક્લાસીસના સંચાલકો આગ જેવી ઘટના બને ત્યારે આગને પ્રાથમિક તબક્કામાં કેવી રીતે કાબૂ મેળવી શકાય તેમજ આગના સમયે પોતાનું રક્ષણ તેમજ અન્યનું રક્ષણ કઈ રીતે કરવું તે અંગેની માહિતી આપવા માટે વલસાડ પાલિકા દ્વારા પહેલીવાર વલસાડ શહેરમાં ચાલતા તમામ ટ્યૂશન ક્લાસીસના સંચાલકો સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સુરતથી આવેલા ફાયર વિભાગના તજજ્ઞ જગદીશભાઈ મિસ્ત્રીએ દરેક ક્લાસીસના સંચાલકોને ફાયરના સમયે સેફ્ટીના સાધનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું નિદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વલસાડ શહેરમાં 50થી વધુ ટ્યુશન ક્લાસીસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે વલસાડ શહેરમાં નગરપાલિકા દ્વારા ફાયર અને સેફટીના સાધનો અંગેની ચકાસણી દરમિયાન અનેક એવા ક્લાસીસ પણ સામે આવ્યા હતા કે જેમની પાસે કોઈ પણ પ્રકારના ફાયર અને સેફટીના સાધનો ઉપલબ્ધ ન હતા તેમ છતાં પણ તેઓ ક્લાસીસ ચલાવે રાખતા હતા એવા સંચાલકોને પણ પાલિકા દ્વારા નોટિસ આપી અને ફાયર અને સેફટીના સાધનો વસાવવા માટે જણાવવામાં આવ્યું હતું.