કચ્છ: ગુજરાતની રંગભૂમિની જાણીતી ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ અને શ્રુજન LLDC દ્વારા પ્રાયોજિત 17મી નાટય સ્પર્ધા મહોત્સવ અંતર્ગત ભુજ શહેર પાંચ દિવસ નાટ્યમય બનશે. LLDC નાટ્ય સ્પર્ધા 2025નો ભુજના ટાઉનહોલ ખાતે વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભુજની નાટયપ્રેમી જનતાને મળશે નાટકનો લહાવો: ભુજના ટાઉનહોલ ખાતે મુખ્ય આયોજક સંસ્થા LLDC ના ચેરમેન દીપેશભાઇ શ્રોફ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ, LLDC ના સીઇઓ રાજીવ ભટ્ટ, ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના લલિતભાઇ શાહના હસ્તે દીપ પ્રાગટય સાથે નાટ્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજની નાટ્યપ્રેમી જનતાને ગુજરાતના અલગ અલગ શહેરોના પ્રતિષ્ઠિત કલાકારોના ગ્રુપના નાટકનો ઘરઆંગણે લ્હાવો મળવાનો હોવાથી આ આયોજનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શકો ઉમટયા: કચ્છમાં સતત ત્રીજા વર્ષે LLDC નાટ્ય સ્પર્ધામાં વિવિધ નાટકોને માણવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટયા હતા આ જોઈને દિગ્ગજ નાટ્યકલાકાર અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સંચાલક લલિત શાહે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
22 નાટકો પૈકી 17 નાટકોમાં નવી સ્ક્રિપ્ટ: આ વર્ષે 3, 4 અને 6 થી 8 જાન્યુઆરી માટે ભવન્સ કલ્ચરલ સંસ્થાએ 17માં વર્ષે નાટય સ્પર્ધા કરી છે. આ 17મી નાટય સ્પર્ધાની શરૂઆત કચ્છથી થઇ છે તો આગામી સમયમાં ભાવનગર, ગોંડલ અને સુરત ખાતે પણ નાટકો યોજાશે. આ સ્પર્ધામાં કુલ 22 જેટલા નાટકોનું મંથન થશે અને 500 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. જેમાં 22 નાટકો પૈકી 17 નાટકોમાં નવી સ્ક્રિપ્ટ હોવાનું લલિત શાહે જણાવ્યું હતું.
ભુજમાં શ્રેષ્ઠ નાટકોનું થશે મંચન: ભવન્સ કલ્ચરલ સંસ્થાના સંચાલક લલિતભાઇ શાહે સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે, ભુજમાં સતત ત્રીજા વર્ષે નાટ્ય સ્પર્ધા યોજવાની તક મળી છે. તેમણે પોતે 1957થી નાટ્ય પ્રવૃત્તિની શરૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું કે, નાટક ટીમવર્ક કેવી રીતે કરવું તે શીખવે છે, સાથે બોલચાલની ભાષા સમૃદ્ધ બને છે જેનાથી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી શકાય છે.
આમ, ગુજરાતી નાટકોને યોગ્ય પ્લેટફોર્મ મળે અને બહોળી સંખ્યામાં પ્રેક્ષકો આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. સાથે જ ભુજમાં યોજાનારા 5 નાટકો પૈકી 3 નાટકો ફાઇનલમાં આવશે તેવી વાત પણ કરી હતી. જોકે આ નાટ્ય સ્પર્ધા દરમિયાન ભવન્સ કલ્ચરલ સેન્ટરના પ્રવીણભાઈ સોલંકી કે જેમનો ફાળો પણ આ નાટકોના મંથન પાછળ મહત્વનો રહેલો છે તેઓ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શક્યા ન હતા.
LLDC ના સહયોગથી નાટ્ય સ્પર્ધા યોજાઈ: LLDC ના સહયોગથી થતા આ સાંસ્કૃતિક અભિયાનમાં સૌ કોઈ જોડાય અને 500 રૂપિયાની સભ્ય ફીના યોગદાન સાથે શહેરમાંથી 1000 સભ્યોને આગળ આવવા અપીલ પણ કરવામાં આવી હતી. કારણ કે આ નાટ્ય સ્પર્ધા દરમિયાન નાટક નિહાળવા માટે વ્યવસ્થાના ભાગરૂપે નિઃશુલ્ક પાસ રાખવામાં આવ્યા છે. પરંતુ લોકો પાસ લીધા બાદ સમયસર ટાઉન હોલમાં ન આવતા પાસ વિનાના પ્રેક્ષકોને નાટક નિહાળવા નથી મળતું જેથી મફતનું મૂલ્ય જ નથી હોતું, ત્યારે જે અમૂલ્ય છે તેવી કલાનું મૂલ્ય હોવું જરૂરી છે.
5 દિવસ જુદાં જુદાં નાટકો યોજાશે:
- પહેલા દિવસે વડોદરાના 'ધ વિઝન એન્ટરટેનમેન્ટ' ગ્રુપના 'અજબ પ્રેમની ગજબ કહાની' નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટકના લેખક અને દિગ્દર્શક કિરણ પાટીલ છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં નાટ્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- બીજા દિવસે મુંબઈના ગ્રુપનું 'અંતરમનનો અરીસો' નાટક કરવામાં આવશે. જેના લેખક ઉમેશ જંગમ અને ડૉક્ટર ગિરીશ દાણી છે તો દિગ્દર્શક ઉમેશ જંગમ છે.
- ત્રીજા દિવસે વડોદરાના મધુરા ખાંડેકર પ્રોડક્શન ગ્રુપ દ્વારા 'સુકી ભેલ' નાટક રજૂ કરવામાં આવશે. જેના લેખક અને દિગ્દર્શક મધુરા ખાંડેકર છે.
- ચોથા દિવસે અમદાવાદના વિક્રમ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટસ ગ્રુપ દ્વારા 'બાલ્કની' નાટક રજુ કરવામાં આવશે, જેના લેખક ડૉક્ટર સતીશ વ્યાસ અને દિગ્દર્શક ડોક્ટર વિક્રમ પંચાલક અને શૌનક વ્યાસ છે.
- અંતિમ દિવસે અમરેલીના શ્રી કલાધાર મલ્ટીગ્રેડિટ અને સેવિંગ કો.ઓ.સો.લી. ગ્રુપ દ્વારા 'ઉડાન એક સાહસ કથા' નાટક રજુ કરવામાં આવશે. જેના લેખક અને દિગ્દર્શક ડૉક્ટર વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ છે.
તમને જણાવી દઈએ કે આ નાટ્ય સ્પર્ધાના નિર્ણાયકો તરીકે કુકુલ તાર માસ્તર, કાજલબેન શાહ અને કપીલદેવ શુકલ રહ્યા છે.
આ પણ વાંચો: