જૂનાગઢ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે રાજ્યની સૌથી અઘરી પરીક્ષાઓમાંની પરીક્ષા એટલે કે CAની પરીક્ષા પાસ કરવી એ આવશ્યક હોય છે. ઘણા ઉમેદવારોનું સપનું હોય છે કે તેઓ CA ની પરીક્ષા પાસ કરે અને CA બને. ઉપરાંત આ પરીક્ષા એટલી કઠિન છે કે ઉમેદવારોને તેણે પાસ કરતાં વર્ષો લાગી જાય છે. ત્યારે આપના વચ્ચે એવા વ્યક્તિ છે જે પોતે પ્રજ્ઞા ચક્ષુ છે પરંતુ તેમણે પહેલી જ અટેમ્પમાં CA ની પરીક્ષા પાસ કરી હતી.
આપણે વાત કરી રહ્યા છીએ આશિષ માકડની. જન્મજાત બંને આંખો ગુમાવનાર જૂનાગઢના નેત્રહીન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષ માકડ આજે 12 જેટલા યુવાનોને રોજગારી આપીને તેમના જીવનમાં ઓજસ પાથરવાનું કામ કરી રહ્યા છે. જન્મજાત ખામી ધરાવનાર આશિષ માકડે કુદરતે આપેલી ખામીને શક્તિમાં પરિવર્તિત કરીને એક સામાન્ય બાળકની માફક અભ્યાસ કરીને સૌથી મુશ્કેલ ગણાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આજથી 50 વર્ષ પૂર્વે પાસ કરી હતી. આશિષભાઈની આ સફળતા પાછળ તેમની માતા-પીતા, શિક્ષકો અને ધર્મ પત્નીની સાથે હાલ તેની સાથે કામ કરી રહેલા યુવાનોની ટીમનો પણ આટલો જ મહત્વનો ફાળો પણ છે.
જન્મજાત નેત્રહીન CA યુવાનોને આપે છે રોજગારી:
જૂનાગઢના આશિષ માકડ બંને આંખે અંધ હોવા છતાં આજે સ્વયંમ રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે યુવાનોના જીવનમાં અજવાળું પથરાય તે માટે અન્યોને રોજગારી પણ આપી રહ્યા છે. જન્મજાત આખ ન હોવાની ઉણપ સાથે જન્મેલા આશિષભાઈ માકડે ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આજથી 50 વર્ષ પૂર્વે પાસ કરી હતી.
પ્રથમ પ્રયાસે પરીક્ષા પાસ કરી: મહત્વની વાત તો એ છે કે, તેમણે આ પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી હતી અને સામાન્ય વિદ્યાર્થીની માફક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. બંને આંખે દેખાતું ન હોવા છતાં પણ ખૂબ જ ધીરજ સાથે આગળ વધેલા આશિષ માંકડ આજે બંને આંખે જોઈ શકતા 12 જેટલા નવ યુવાનોને રોજગારી આપી રહ્યા છે.
સામાન્ય બાળકો સાથે કર્યો અભ્યાસ
જન્મજાત બંને આંખો ન હોવાની કુદરતી ઉણપની સામે શાળાના અભ્યાસકાળથી જ આશિષ માકડ ખૂબ જ મજબૂત મનોબળ સાથે આગળ વધ્યા. જૂનાગઢની કોન્વેન્ટ સ્કૂલમાં આજથી 50 વર્ષ પૂર્વે સામાન્ય વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ 11 અને 12 માં અભ્યાસ માટે જૂનાગઢની મહાવીર વિનય મંદિરમાં પણ તેમણે સામાન્ય વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને ધોરણ 12 ની પરીક્ષા ઉતીર્ણ કરી.
પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે: આશિષ માકડ આજે પણ માને છે કે તેમની આ સફળતામાં તેમના માતા-પિતા, શિક્ષકો, મિત્ર અને ખાસ બંને આંખે ન જોઈ શકવાને કારણે પરીક્ષામાં લખવા માટે મળતા રાઇટરનો ખુબ મહત્વનો ફાળો છે. આ તમામ પરિબળો આશિષભાઈની આંખ બનીને સતત તેમની સાથે જોડાયેલા રહ્યા હતા, અને તેને કારણે જ બંને આંખે જોઈ ન શકતા નેત્રહીન આશિષ માંકડ આજે ચાર્ટર્ડ એકાઉન્ટ જેવી ખૂબ મુશ્કેલ પરીક્ષા પાસ કરીને આજે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
પ્રથમ પ્રયત્ને પસાર કરી સી એની પરીક્ષા:
આશિષ માકડને તેના અભ્યાસ સમય દરમિયાન અન્ય કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો ન હતો. પરંતુ વાણિજ્ય જેવા સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અને કેટલાક વિષયોમાં ગ્રાફ એકાઉન્ટ અને ગણિતમાં જે આકૃતિ સાથેનો મહાવરો કરવાનો હતો તેમાં કેટલીક મુશ્કેલીનો ચોક્કસપણે સામનો કરવો પડ્યો હતો. પરંતુ મજબૂત મનોબળ સાથે આગળ વધેલા આશિષભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખૂબ મુશ્કેલ કહી શકાય તેવી પરીક્ષા પણ પ્રથમ પ્રયત્ને જ પસાર કરીને બંને આંખે અંધ હોવા છતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા છે.
આજે આશિષભાઈ તેમના પિતાના પારંપરિક વ્યવસાય કરવેરાના સલાહકારની ઓફિસમાં કરવેરા નિષ્ણાંત તરીકે કામ કરી રહ્યા છે. જેમાં તેમને આધુનિક ટેકનોલોજીની સાથે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, તેમના 12 સભ્યોની બનેલી ટીમ અને તેમના ધર્મ પત્નીનો પણ સહયોગ મળી રહ્યો છે. આમ, બંને આંખે અંધ હોવા છતાં આટલા પરિબળો આશિષભાઈની આંખ બનીને આજે પણ તેમની સાથે સતત કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: