બનાસકાંઠા : અમરેલી પત્ર કાંડ મામલે પાટીદાર દીકરીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ પાટીદાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા અંગે રોષ : પાલનપુર કલેકટર કચેરી ખાતે SPG સહિત પાટીદાર સંગઠનના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમણે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા બાબતે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ દીકરીનું સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે.
જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ : સામાજીક આગેવાન દેવાભાઈ સાળવીએ જણાવ્યું કે, દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી, જે ખરેખર નિયમ વિરુદ્ધ છે. તેમજ દીકરીની ધરપકડ બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે. દીકરીએ કોઈ એટલો મોટો કોઈ ગુનો પણ નથી કર્યો કે તેનું સરઘસ કાઢવું પડે માટે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
પોલીસકર્મીઓ માફી માંગે : બનાસકાંઠા કલેકટર કચેરી ખાતે પહોંચેલા પાટીદાર સમાજના લોકોએ દીકરીને ન્યાય આપવાની માંગ સાથે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે. સાથે જ આ દીકરી અને તેના પરિવારજનોની પોલીસ કર્મચારીઓ માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ગુજરાતભરમાં પોલીસ સામે આક્રોશ : અમરેલીમાં પત્ર કાંડ મામલે યુવતીની અકટ કર્યા બાદ તેનું સરઘસ કાઢવા મામલે હવે ગુજરાતભરમાં પોલીસ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજની આ દીકરીને ન્યાય આપવાની માંગ વધુને વધુ જોર પકડી રહી છે. આ સાથે વિપક્ષે પણ દીકરીને ન્યાય મળે તે માટે સરકાર સામે આકરા પ્રહારો શરૂ કર્યા છે.