વલસાડ: 1990થી શરૂ થયેલી કે.એમ. સોનાવાલા સંચાલિત શબરી છાત્રાલયમાં આદિવાસી વિસ્તારની અનેક બાળાઓ અભ્યાસ કરે છે. છેલ્લા 31 વર્ષમાં શબરી છાત્રાલયમાં અભ્યાસ કરીને અત્યાર સુધીમાં 2500 જેટલી દિકરીઓ તેમના પગ પર ઉભી રહી કારકિર્દી બનાવી છે.
300 દિકરીઓ શિક્ષક બની છે. 4 દિકરીઓ PSI અધિકારી બની છે. 3 ડોક્ટર બની છે. જ્યારે 12 દિકરીઓ મીલેટરીમાં ફરજ બજાવે છે. આ સાથે જ અન્ય દિકરીઓ ગ્રામ પંચાયતની સરપંચ પદ પણ શોભાવી રહી છે. આમ અત્યાર સુધીમાં શૈક્ષણિક કાર્ય કરતાની સાથે સાથે શબરી છાત્રાલય દ્વારા અનેક સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા છે. તો આચાર્ય મહાપ્રભુજીની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણની સાથે સાથે સમરસ છાત્રાલય દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓને આર્થિક મદદરૂપ કરવામાં આવી હતી. જેમાં રૂ.18 લાખમાં ખર્ચે યુનિફોર્મ પુસ્તક વિતરણ સહિત કબડ્ડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કપરાડા અને ધરમપુરની 61 જેટલી સ્કૂલોમાં શબરી છાત્રાલય દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ વર્ષે શિક્ષણ અને સામાજિક કાર્યની સાથે સાથે કપરાડા અને ધરમપુર વિસ્તારના ખેડૂતો માટે પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે એક મહત્વનું અને અન્ય સંસ્થાઓ માટે પ્રેરક બને એવું પગલું શબરી છાત્રાલય દ્વારા લેવામાં આવશે. જે માટે ધરમપુર અને કપરાડાના જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોય એવા ગામોમાં ખેત તલાવડી ચેકડેમ કુવા ઉંડા કરવા સહિતના કામો આ સંસ્થા દ્વારા કરવામાં આવનાર છે.
જે માટે જૈન યુવક સંઘ દ્વારા શબરી છાત્રાલયને રૂપિયા 50 લાખ તેમજ અન્ય દાતાઓ દ્વારા 50 લાખ મળી એક કરોડ રૂપિયાનું દાન આ કામગીરી માટે મળ્યું છે. એ માટેનો ચેક એક વિશેષ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન યુવક સંઘના ટ્રસ્ટીઓ, દાતાઓ તેમજ રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર કથાકાર પ્રફુલભાઇ શુકલ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શબરી છાત્રાલયની ગત વર્ષની કામગીરી અંગે એક વિશેષ સોવેનીયર પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેનું વિમોચન કરાયું હતું.
ઉલ્લખેનીય છે કે, શૈક્ષણિક કાર્યની સાથે સાથે ખેડૂતો માટે તેમજ કપરાડા અને ધરમપુર જેવા વિસ્તાર માટે પાણીની સમસ્યા દૂર કરવા એક શૈક્ષણિક સંસ્થા આગળ આવી હોય એવું આ પ્રથમ પગલું છે. જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરક બળ પૂરું પાડશે એવું જણાય છે.