સુરત: કૌટુંબિક ઝઘડામાં સુરતમાં પોતાના પરિવારના જ સભ્યોની હત્યા તેમજ જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સુરતમાં ઓનલાઇનના ધંધા સાથે જોડાયેલા એક યુવક દ્વારા પોતાના મોટા પપ્પાના પરિવાર સાથે ઝઘડો થતાં પોતાના સગા માતા-પિતા, પત્ની અને ચાર વર્ષના દીકરા પર ચપ્પુ વડે હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનામાં ચાર વર્ષના બાળક અને પત્નીનું મોત થયું હતું. હુમલો કર્યા બાદ યુવકે પોતાના બંને હાથમાં પણ ચપ્પુ વડે ગંભીર ઇજાઓ કરી હતી અને આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રત થયેલા યુવકના માતા-પિતા તેમજ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કેવી રીતે બની આ ઘટના?: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ બિલ્ડીંગના સૂર્યા ટાવરમાં સ્મિત જીયાણી નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. સ્મિત જીયાણી ઓનલાઇનના ધંધા સાથે જોડાયેલો હતો. થોડા દિવસો પહેલા તેના મોટા પપ્પાનું અવસાન થયું હતું. જેથી સ્મિત આ દુઃખની ઘડીમાં પરિવારના સભ્યો સાથે સહભાગી બનવા માટે પોતાની પત્ની, માતા-પિતા અને દીકરાને લઈને ગયો હતો. તે સમયે મોટા પપ્પાના પરિવારના સભ્યો દ્વારા સ્મિત સાથે કોઈ વાતને લઈને બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોતાની ઘરે ન આવવા તેમજ પોતાની સાથે સંબંધ ન રાખવા માટે સ્મિતને જણાવ્યું હતું.
પોતાના જ પરિવારની હત્યા: મોટા પપ્પાના પરિવારના સભ્યો દ્વારા સ્મિત સાથે સંબંધ તોડી નાખવામાં આવતા સ્મિતને માઠું લાગી આવ્યું અને સ્મિતે આ વાતનું મન દુઃખ રાખીને પોતાના પિતા લાભુભાઈ જીયાણી, માતા વિલાસબેન જીયાણી, પત્ની હિરલ જીયાણી તેમજ ચાર વર્ષના દીકરા ચાહિત પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાબાદ પોતે પણ પોતાના બંને હાથો પર ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી.
સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા: આ ઘટનામાં ગંભીર ઇઝાના કારણે સ્મિતના પત્ની હિરલબેન તેમજ ચાર વર્ષના દીકરા ચાહિતનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. તો બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સ્મિતના પિતા લાભુભાઈ અને માતા વિલાસબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્મિતે પણ પોતાના હાથોમાં ગંભીર ઈજા પહોંચાડી હોવાના કારણે તેને પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરો દ્વારા તેની તબિયત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી: ઉપરાંત, આસપાસના લોકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે હિરલ જીયાણી અને ચાહિત જીયાણીના મૃતદેહનેે પોસમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે સ્મિત જીયાણીની ગામડે મિલકત અને જમીન આવેલી છે. આ જમીન અને મિલકત બાબતે તેને મોટા પપ્પાના પરિવાર સાથે કંઈક બોલાચાલી થઈ હતી અને આ બાબતે મોટા પપ્પાના પરિવારના સભ્યો દ્વારા તેને પોતાની સાથે સંબંધ ન રાખવા જણાવી, અંતે સ્મિતે પોતાના જ પરિવારને ખતમ કરવા માટે પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે.
આ પણ વાંચો: