ગાંધીનગરઃ ગુજરાતના ઘણા ભાગોમાં હાલમાં માવઠું પડ્યું છે જેને લઈને ખેડૂતો સહિત ઘણા ચિંતામાં છે. નોકરિયાત અને ધંધાદારી વર્ગ પણ આ દરમિયાનમાં ઠંડી માટે જેકેટ લઈને નીકળવું કે માવઠાને કારણે રેઈનકોટ લઈને નીકળવું તેવી અસમંજસમાં છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલના દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે માવઠા અંગેની વાત કરતા કહ્યું કે, રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ ઉપરાંત હવે ધીરે ધીરે લગભગ ભરૂચના ભાગોમાં, દરિયાના ભાગોમાં અને નવસારી તથા દ. ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસરો ઓછી છે. ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે છે.
અંબાલાલ પટેલે માવઠા પછીની ઠંડી અંગેની વાત કરતા કહ્યું કે, માવઠા ઉપરાંત તા. 29 ડિસેમ્બરથી 10મી જાન્યુઆરીમાં જ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન લગભગ 10 ડિગ્રી સે.થી ઓછું થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં 8 ડિગ્રીથી ઓછું થઈ શકે. કચ્છના નલિયામાં તાપમાન ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. તેમજ લગભગ રાજકોટ, જુનાગઢના ભાગોમાં પણ ન્યુનત્તમ તાપમાન 12 ડિગ્રી જેવું રહેવાની શક્યતા રહેશે. વલસાડમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે અરબ સાગર, બંગાળની ખાડીના ભેજના કારણે અને મલ્ટી સિસ્ટમના કારણે તા. 10 જાન્યુઆરી પછી બીજી એક સિસ્ટમ બની રહી છે. તા. 10 જાન્યુઆરી પછી વાદળ છાયું વાતાવરણ રહેશે.