Vadodara News : વડોદરા મનપાની મોટી કાર્યવાહી, ભેળસેળવાળા વનસ્પતિ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો - Adulterated Ghee
વડોદરામાં ખોરાક શાખાના દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેની ચોંપ રાખવા લૂઝ પનીર, દૂધ, કપાસીયા તેલ સાથે ખાદ્ય પદાર્થ વનસ્પતિ (ડાલડા ઘી) વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરમાં ધમધમતી હાટડીઓ અને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરી અને શેરડીના રસનું સેવન કરતા નાગરિકોને આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે લૂઝ પનીર, દૂધ,કપાસીયા તેલ સાથે ખાદ્ય પદાર્થ વનસ્પતિ (ડાલડા ઘી) વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
વનસ્પતિ ઘીમાં ભેળસેળ સામે કાર્યવાહી : ગત રોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં શહેરના પથ્થરગેટ વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલ જીતેન્દ્ર કનૈયાલાલ ગાંધીની કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં વનસ્પતિ (લુઝ)નો 178.8 કિલોગ્રામનો રૂપિયા 23,244ની કિંમતનો નમૂનો લેવામાં આવ્યો હતો. નમૂના શંકાસ્પદ હોવાથી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
ભેળસેળયુક્ત વનસ્પતિ ઘી વિક્રેતાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરે જણાવ્યું હતું કે અમારા આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે એક જગ્યાએ તાવડાના ઘી 160 રૂપિયે પર કિલો મળે છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેના પરિણામ બાદ જ ખબર પડશે કે આ વનસ્પતિમાં ભેળસેળ છે કે કેમ ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં 170 કિલો ઉપરાંતનો વનસ્પતિ ઘી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે...અર્પિત સાગર ( ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર )
વીએમસીની કાર્યવાહી : આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા છેલ્લા પંદર દિવસમાં કેરી અને શેરડીના રસની 15 જેટલી જગ્યા પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં 35 સ્ટોલ પરથી 42 નમૂના લેવામાં આવ્યા હતાં. સ્થળ પર અખાદ્ય જણાયેલ 480 કિલોગ્રામ રસ અને 120 કિલોગ્રામ કલરવાળી ચાસણી, 20 કિલો કાપેલ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સાથે અગાઉ લેવાયેલ દૂધ, પનીર અને તેલ, મસાલાના 16 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 1 મિસ બ્રાન્ડેડ અને 15 સબ સ્ટાન્ડર્ડ મળી આવતા ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ નમૂનામાં અખાદ્ય પનીર 740 કિલોગ્રામ જેની કિંમત 2,50,014 રૂપિયા હતી.
જલ્દી કાર્યવાહી કરીશું : આ સાથે વડોદરામાં રાત્રીના સમયે ધમધમી રહેલા બરફના ગોલા અને ઠંડા પીણાની હાટડીઓ સામે ક્યારે કાર્યવાહો થશે તે સૌથી મોટો સવાલ પણ સામે ઊભો છે. આ અંગે ફૂડ સેફટી ઓફિસરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કાર્યવાહી થશે. હાલમાં વિવિધ સ્પોટ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ઠંડા પીણા અને બરફના ગોલા વિક્રેતાઓ સામે પણ ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી હાથ ધરીશું.