સુરત: સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઈટની સંખ્યામાં વધારો થવાની સાથે જ દાણચોરી કરીને સોનું લાવતા તત્ત્વોને ઝડપી પાડવાના કિસ્સામાં વધારો થયો છે. કારણ કે એક જ સપ્તાહમાં કસ્ટમ વિભાગના એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટે એક યુવક અને એક મહિલા પાસેથી ૬૬ લાખની કિંમતનું સોનું પકડી પાડી નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરી છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની સંખ્યામાં સુરત એરપોર્ટ પર વધારો થવાના કારણે દાણચોરીના કિસ્સા વધવાની શક્યતા પહેલેથી જ સેવામાં આવી રહી હતી, તેના કારણે કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટના સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો, કારણ કે મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી શકે, તેનો ફાયદો એક જ સપ્તાહમાં મળી ગયો છે.
કારણ કે દુબઈ થી ગુદા માર્ગમાં ૩૦૦ ગ્રામ સોનું લઈને આવતા શખ્સની અટકાયત કરી તપાસ કરતા ૨૩ લાખનું સોનું કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાનપુરાની મહિલા બેંગકોકથી સુરત આવતી ફ્લાઈટમાં જિન્સના પટ્ટાની પાછળ પેસ્ટરુપે ૪૩ લાખની કિંમતનું ૫૫૦ ગ્રામ સોનું લઈને આવતી હોવાના બાતમીના આધારે ઝડપી પાડી હતી.
૫૦ લાખની કિંમત કરતાં વધુ માત્રામાં સોનું ઝડપાઈ તેવા કિસ્સામાં જ સોનું લઈને આવનારની ધરપકડ કરવામાં આવતી હોય છે. જેથી દાણચોરીનું સોનું લઈને આવતા આ નિયમને સારી રીતે જાણતા હોવાના લીધે ૫૦ લાખથી ઓછી કિંમતનું જ સોનું લઈને આવતા હોય છે. જોકે એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે સોનાનો જથ્થો જપ્ત કરીને યુવાન અને મહિલાની અટકાયત કરી હતી, તેમાં કેટલી વખત અવર-જવર કરી અને આ જથ્થો કોને મંગાવ્યો તે સહિતની વિગતોના આધારે આગળની તપાસ શરૂ કરી છે. જોકે દાણચોરી કરનારા તત્ત્વો આ રીતે કેરિયર મારફતે જ સોનું મંગાવતા હોય છે, તેમજ ટ્રીપ પ્રમાણે નાણાં ચુકવણી પણ કરી દેતા હોવાના લીધે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં તકલીફ પડતી હોય છે.