વડોદરા : સંસ્કારી અને કલા નગરી વડોદરામાં દિન પ્રતિદિન શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે. આ સમસ્યા મુખ્યત્વે શહેરમાં વસ્તીના પ્રમાણમાં યોગ્ય ટ્રાન્સપોર્ટેશન સુવિધા ન હોવી અને રિક્ષાઓની જરૂરિયાત સામે રિક્ષાની સંખ્યા બમણી હોવાથી આ સમસ્યા વધુ વિકરાળ બની છે.
શા માટે ટ્રાન્સપોર્ટેશન માટે તંત્ર નિષ્ફળ : વડોદરા શહેરની 20 લાખની વસ્તી છે. જેની સામે સિટી બસ સેવા માત્ર 150 બસ કાર્યરત છે. આ સમસ્યા પાછળ રોજબરોજ વધતી રિક્ષા ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થઈ રહી છે. શહેરમાં 30 હજાર રિક્ષા હોવી જોઇએ તે જરૂરિયાત સામે 70 હજારથી વધુ રિક્ષાઓ ફરી રહી છે. એટલે કહી શકાય કે બમણી કરતાં વધુ પ્રમાણમાંં રિક્ષાઓ ટ્રાફિકનું ભારણ વધારી રહી છે.
વસ્તી સામે બસની સંખ્યા ત્યાંની ત્યાં : શહેરમાં સિટી બસ સેવાની શરૂઆત વર્ષ 2008થી કરવામાં આવી હતી. જે વિટકોસના નામે શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા શરૂ થતાં એસટી બસની 6 બસ મુકવામા આવતી હતી તેમાં વધારો કરી વિટકોસ સેવામાં 35 બસ શરૂ કરાઇ હતી. વર્ષ 2009માં આ બસની સંખ્યામાં વધારો કરી 110 બસ કરવામાં આવી. આ સુવિધા બાદ વર્ષ 2018માં વિનાયક ટ્રાન્સપોર્ટેશનના નામે શરૂ કરાઇ જેમાં હાલમાં 165 બસમાંથી 150 બસ કાર્યરત છે, જ્યારે અન્ય સ્પેરમાં મુકવામાં આવી છે. આજે વધતી વસ્તીના પ્રમાણમાં બસની સંખ્યા ત્યાંની ત્યાં છે.
સિટી બસ સેવા વર્ષ 2008થી સ્માર્ટ સિટી અંતર્ગત શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા શરૂ થઈ ત્યારે 150 બસનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જેમાં 165 બસ રનિંગ સાથે સ્પેરમાં રાખવામાં આવી હતી. હાલમાં દિનપ્રતિદિન વસ્તી અને વિસ્તાર વધતો જાય છે. સાથે કોલેજ અને સ્કૂલોનું પ્રમાણ પણ વધતું જાય છે. હાલમાં સંખ્યા અને જરૂરિયાત જોતા 250 થી 300 સિટી બસની જરૂરિયાત છે, તેની સામે આપણે 150 બસ ચલાવીએ છીએ. આ રેશિયોમાં દર 100 બસ બસે 10 ટકા બસ સ્પેરમાં રાખવી પડતી હોય છે તો જ તેનું મેન્ટેનન્સ જળવાતું હોય છે...નરેન્દ્રસિંહ રાણા(વિનાયક સિટીબસ મેનેજર)
આરટીઓ દ્વારા મેળવેલ વિગતો : ટ્રાન્સપોર્ટેશન માટે શહેરમાં સુવિધાના અભાવે રિક્ષાનું પ્રમાણ વધ્યું જેના કારણે ટ્રાફીક સમસ્યા વધવા લાગી છે. શહેરમાં આરટીઓ દ્વારા મેળવેલ વિગતોમાં 1 જાન્યુઆરી 2015થી આજદિન સુધી 4,549 CNG રિક્ષા, 17,775 CNG/પેટ્રોલ અને 1,522 ડીઝલ રિક્ષા રજિસ્ટ્રેશન થઈ છે. આ સાથે વર્ષ 2015 પહેલાંની રિક્ષાઓ મળી શહેરમાં હાલમાં 70 હજારથી પણ વધુ રિક્ષાઓ દોડી રહી છે. જે પબ્લિક માટે સુવિધારૂપ છે, પરંતુ ટ્રાફિક સમસ્યા માટે માથાના દુઃખાવા સમાન છે.
ટ્રાફિક ઘટાડવા સિટી બસની વધુ જરૂરિયાત : આ સર્વિસમાં વસ્તીના પ્રમાણમાં બસની સંખ્યા ઓછી છે અને ટ્રાફિકનું પણ ભારણ વધુ જોવા મળી રહ્યું છે. સાથે નવા નવા રૂટની ડીમાંડ પણ વધુ આવી રહી છે. હાલમાં શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રીક્ષા વધુ ભાગ ભજવે છે. જેમાં હાલમાં અંદાજે 70 હજારની આજુબાજુ રિક્ષાઓ છે,જે માત્ર 35 હજાર હોવી જોઈએ. વાહનવ્યવહાર માટે પબ્લિક સુવિધા મોખરે હોવી જોઈએ. 25 પેસેન્જર માટે એક સિટી બસ સામે રિક્ષાની વધુ જરૂરિયાત રહેતી હોય છે. જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિક ઘટાડવા માટે સિટી બસની વધુ જરૂરિયાત છે, જેની સામે રિક્ષાઓ વધુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સાથે પોલ્યુશન પણ વધુ જોવા મળી રહ્યું છે.
તંત્ર બિલકુલ ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં નિષ્ફળ નીવડ્યું છે. વધતી રિક્ષાઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઓછી હોવાથી રિક્ષાઓનું પ્રમાણ વધ્યું છે. આ સુવિધાનો અભાવ હોવાથી રિક્ષા ધારકોને પણ રોજીરોટી મળતી હોય છે, જે સારી બાબત છે અને ટ્રાન્સપોર્ટ સુવિધા માટે રિક્ષાઓ કામ આવી રહી છે...બિલાલ પરમાર (પ્રમુખ, વડોદરા રિક્ષા યુનિયન )
સિનિયર સિટીઝન માટે રિક્ષાઓ ઉપયોગી : બિલાલ પરમારે વધુમાં જણાવ્યું હતું કે સાંજના સમયે માંડવીના ચાર દરવાજા પર ટ્રાફિક સમસ્યાને લઈ વર્ષોથી રિક્ષાઓ પર પ્રતિબંધ હોય છે. જે માત્ર રિક્ષાઓ માટે જ શા માટે જે પબ્લિકને સુવિધા આપે છે. રિક્ષાઓના કારણે આસપાસના સિનિયર સિટીઝન લોકોને સુવિધાઓ મળી રહે છે. જ્યારે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રિક્ષાઓ બંધ હોય છે ત્યારે સિનિયર સિટીઝન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
રિક્ષા સ્ટેન્ડના અભાવે મુશ્કેલીઓ : વધુમાં તેઓએ કહ્યું કે શહેરમાં 70 હજાર જેટલી રિક્ષાઓ છે. આ રિક્ષાઓ દ્વારા ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. પરંતુ સામે યોગ્ય ટ્રાન્સપોર્ટેશન સુવિધા ન હોવી અને રિક્ષાના યોગ્ય સ્ટેન્ડ ન હોવાથી રિક્ષા પેસેન્જરની ડિમાન્ડ પર ગમે ત્યાં ઉભી રાખવી પડતી હોય છે. જેના કારણે પણ ટ્રાફિક થતો હોય છે. જો યોગ્ય સ્ટેન્ડ અને સ્ટોપેજ આપવામાં આવે તો આ સમસ્યાને હળવી કરી શકાય છે.