વડોદરા : વડોદરના સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી એમ વાંસદિયા મૂળ સુરતના વતની લાંચના છટકામાં આબાદ સપડાઇ ગયાં હતાં. વડોદરા ગ્રામ્ય એસીબીએ છટકું ગોઠવી 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની સત્તાવાર માહિતી એસીબી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
લાંચિયા પીએસઆઈ સામે કાર્યવાહી : જિલ્લાના સાવલી પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ડી.એમ.વાંસદિયા દ્વારા પ્રોહિબિશન હેઠળનો ગુનો દાખલ કરાયો હતો. જે કેસની પતાવટ માટે શરૂઆતમાં 35,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ 20,000માં પતાવટ માટે લાંચ લેતા એસીબી દ્વારા લાંચિયા પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગાડી અન્યને આપી હતી : આ બનાવની વિગતો મુજબ, ફરિયાદીના પતિ જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રી મીકેનીકલનો વ્યવસાય કરે છે. તેઓએ એક સેકન્ડ હેન્ડ સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી તેઓના ભાઇ ભાવિનકુમાર મણીભાઇ સુથારના નામે લીધી હતી. જે ગાડીને સ્ટેમ્પપેપર ઉપર લખાણ કરી નોટરી કરી ફરિયાદીના પતિના નામે કરાવેલ અને ફર્યાદીના પતિને વર્ષ-2019માં આર્થિક જરૂરીયાત ઉભી થતા તેઓએ તેઓના મિત્ર પવનભાઇ પંડિતને 1.20 લાખમાં ગીરવે મૂકી હતી.
દારૂ સાથે ગાડી પકડાઈ : પવનભાઇને ફરિયાદીના પતિએ લીધેલ નાણાં પરત આપી શક્યાં ન હતાં. જેથી પવનભાઇએ ગાડી સંજયભાઇ (રહે.લોટીયા ભાગોળ, આણંદ)ને આપી દીધી હતી. આ ગાડી સાવલી ખાતે દારૂમાં પકડાતા સાવલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો. તેમાં આ ગાડી જેના નામે છે તે આ કામના ફર્યાદીના દિયર ભાવિનકુમાર મણીભાઇ સુથારને સાવલી પોલીસ સ્ટેશને અટક કરવામાં આવી હતી. જે બાદ ફરિયાદીના પતિના મિત્ર ગૌરાંગગીરી ગોસ્વામી મારફતે કેસની પતાવટ માટે પીએસઆઈ વાંસદિયા સાથે રૂપિયા 35,000 આપવાનું નક્કી થયું હતું.
લાંચ ન આપવા એસીબીનો સંપર્ક કર્યો : ફરિયાદીએ લાંચની રકમ આપવા માંગતા ન હતાં.જેથી ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. સાવલી પોલીસ સ્ટેશન ખાતે કરતાં છટકા દરમ્યાન પીએસઆઈ ડી.એમ.વાંસદિયા, સાવલી પોલીસ સ્ટેશન ફરીયાદીના પતિ જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રી ઉર્ફે રાજુ પાસે પોતાની બાજુમાં આવેલ કોમ્પ્યુટરના છેલ્લા ડ્રોવરમાં 20,000 રુપિયા ફરીયાદીના પતિ સાથે આવેલ રાહુલ રમેશભાઇ સુથારના ઉર્ફે દેવોની રૂબરૂમાં મુકાવી તે રીતે સ્વીકારી, સ્થળ પર રંગેહાથ પકડાઇ ગયાં હતાં.
હોદ્દાનો દુરુપયોગ : આમ પીએસઆઈ ડી. એમ. વાંસદિયાએ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક કરી ગુનો કર્યા અંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપ કરનાર એસીબીના પી.આઈ એમ.કે. સ્વામી દ્વારા મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા પીએસઆઈને ઝડપી પાડ્યો હતો.
- Anand Crime : ખંભાત નપાના નિવૃત્તિના આરે ઉભેલા ફાયર ઓફિસર લાંચના છટકામાં ઝડપાયાં, ફાયર એનઓસી માટે લાંચ માગી
- Valsad News: રખવાલો જ નિકળ્યો ચોર, કપરાડાના હુડાના ડેપ્યુટી સરપંચ રુપિયા 4,000 ની લાંચ લેતા ઝડપાયા
- Gujarat ACB : લાંચથી અપ્રમાણસર મિલકત વસાવનાર 4 ક્લાસ 1 અધિકારી સહિત 51 અધિકારી કર્મચારી સામે એસીબીની તપાસ