વડોદરાઃ શહેર નજીક દુમાડ ચોકડી પાસે આવેલી બનિયન પેરેડાઈઝ રિસોર્ટના 2 રૂમમાંથી શ્રાવણીયો જુગાર રમતાં 16 નબીરાઓ ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે 8 વૈભવી કાર અને રોકડા 8.52 લાખ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
દુમાડ ચોકડી નજીકની બનિયન પેરેડાઇઝ રિસોર્ટમાં વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ટીમે ગુરૂવારે રાતે રેઇડ કરી હતી. પોલીસે રિસોર્ટ સંચાલક સહિત રૂમનં.103 અને 107 માં શ્રાવણનો જુગાર રમતાં 16 નીબરાઓને પકડયાં હતાં.
પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી રોકડા રૂપિયા 8.52 લાખ, 14 મોબાઇલ અને મર્સિડીઝ, ફોર્ચ્યુનર, ક્રેટા, સિટી સહિત 8 ગાડીઓ મળી હતી. પોલીસે આ રેઇડમાં અંદાજે રૂપિયા 75 થી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની આશંકા છે. LCBની ટીમે બનિયન પેરેડાઇઝ રિસોર્ટમાં રાતે રેઇડ કરી હતી .
પોલીસે સ્થળ પર પહોંચતા પાર્કિંગ એરિયામાં મર્સિડીઝ , ફોર્ચ્યુનર , ક્રેટા , સિટી , બલેનો , વેગનઆર જેવા વાહનો મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસની ટીમે બનિયન પેરેડાઇઝ રિસોર્ટના રૂમ નં.103 અને રૂમ નં. 107 તપાસ કરી હતી. બંને રૂમમાં જુગાર રમતાં 7 -7 નબીરાઓ પોલીસના હાથે પકડાયાં હતાં. LCBની ટીમે 14 શખ્સો પાસે રોકડા રૂપિયા 8,57,790 મળ્યાં હતાં.
આ ગુનામાં પોલીસે શ્રીનાજીક પાર્ક , કદમ નગર , નિઝામપુરામાં રહેતા અને બનિયન પેરેડાઇઝ રિસોર્ટના સંચાલક મુકેશ જામનદાસ ભુધરાણીને પકડયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મોડી રાતે રોકડા , મોબાઇલ ફોન અને વાહનોના મુદ્દામાલની ગણતરી હાથધરી ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી.