સુરત : બારડોલી ટાઉન વિસ્તારમાં ગત 19 ડિસેમ્બર, 2024 ના રોજ બે અજાણ્યા મોટરસાઇકલ ઈસમોએ 2 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અંગે લૂંટનો ગુનો રજીસ્ટર થયા બાદ સુરત ગ્રામ્ય LCB પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીની ઝડપી પાડતા આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
બારડોલીમાં લૂંટનો બનાવ : આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, પોતે વેપારના આવેલા નાણાં આપવા જઈ રહ્યો હતો. ત્યારે બારડોલી ટાઉન વિસ્તારમાં કેસરકુંજ સોસાયટીની થોડે આગળ નહેર નજીકથી પસાર થઈ વખતે બે અજાણ્યા મોટરસાઇકલ ઈસમો આવ્યા હતા. આ લોકોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી રોકડા રૂ. 2.75 લાખની લૂંટ કરી હતી.
ફરિયાદીની જ લૂંટ કેસમાં સંડોવણી : આ ગુનામાં રાજસ્થાનના રહેવાસી 22 વર્ષીય રાધેશ્યામ નિંબારામ ગુજ્જર સંડોવાયેલો હોવાની બાતમી મળતા સુરત ગ્રામ્ય LCB ટીમ રાજસ્થાનમાં તપાસ કરવા ગઈ હતી. જ્યાં શકમંદ ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે સુરત લાવી પૂછપરછ કરી હતી. આ લૂંટનો ગુનો તેના સાથી મહાદેવ હર્જરામજી ગુર્જર અને 18 વર્ષીય રામદેવ નિંબારામ ગુર્જર સાથે મળી કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ મામલે ફરિયાદી પુખરાજ હર્જરામજી મૌલારામ ગુર્જર ખુદ સંડોવાયેલ હતો.
કોણ છે ફરિયાદી બનેલો આરોપી ? આ મામલે મળતી વિગત અનુસાર ફરિયાદી પુખરાજ હર્જરામજી મૌલારામ ગુર્જર છેલ્લા પાંચ વર્ષથી બારડોલીની એજન્સીમાં નોકરી કરતો હતો. તે વેચાણ કરેલ માલના પૈસા વેપારીઓ પાસેથી ઉઘરાવી માલિકને પહોંચાડતો હતો. જેથી ફરિયાદીએ તેના સગા ભાઈ મહાદેવ હર્જરામજી ગુર્જરે તેના મિત્ર રાધેશ્યામ નિંબારામ ગુર્જર તથા રામદેવ નિંબારામ ગુર્જર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
આવી રીતે બનાવ્યો નકલી લૂંટનો પ્લાન :
આ પ્લાન અનુસાર ફરિયાદી વેપારના પૈસા લઈ બીજા માણસ સાથે માલિકને આપવા જતો હોય, ત્યારે રાજસ્થાન ખાતે પોતાના ભાઈ મહાદેવને લોકેશન આપતો હતો. મહાદેવ તેના મિત્ર રાધેશ્યામ ગુર્જર તથા રામદેવ ગુર્જર સાથે સંપર્કમાં રહી લોકેશન આપતો હતો. પ્લાન મુજબ લૂંટ કરવા રાધેશ્યામ તથા મહાદેવ ગુર્જર મોટરસાઇકલ લઈ ઊભા હતા.
ફરિયાદીએ મોટરસાઈકલની ડીપર મારી ઈશારો કરતા રાધેશ્યામ તથા રામદેવ ગુજ્જરે મોટરસાઇકલ અટકાવી હતી. બાદમાં લાઈટરગન બતાવતા અગાઉથી ઘડેલા કાવતરા મુજબ ફરિયાદીએ પૈસા ભરેલી બેગ કાઢતા રાધેશ્યામ તથા રામદેવ ગુજર પૈસાની લૂંટ કરી નાસી ગયા હતા. બાદમાં અડધા અડધા રૂપિયા ભાગ પાડી લીધા હતા અને પુખરાજ હર્જરામજી મૌલારામ ગુજ્જરે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ આરોપી ઝડપાયા, એક વોન્ટેડ : પોલીસ ટીમે લૂંટના રોકડા રૂપિયા પૈકી રૂ. 1.30 લાખ રિકવર કરી ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાઇકલ સહિત કુલ રૂ. 1.55 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં પુખરાજ, રાધેશ્યામ અને રામદેવની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે મહાદેવને વોન્ટેડ જાહેર કર્યો છે. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.