વડોદરા: કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા વિવાદિત નિવેદનને લઈ બે વર્ષની સજા કરવામાં આવી છે. જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાઓ અંતર્ગત મૌનનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.
કાળી પટ્ટી ધારણ કરી વિરોધ: વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકશાહી બચાવો માંગ સાથે મૌનના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં યોજાયો હતો. મૌન ધરણાં કાર્યક્રમ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. સાથે બેરોજગારી અને મોંઘવારી સામે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને કાયદાનું હનન થઈ રહ્યું છે. જેને લઈ લોકશાહી બચાઓના નારા સાથે મૌન ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો.
શહેર પ્રમુખ સહિત તમામની અટકાયત: વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા મૌન ધરણાં વિરોધ કાર્યક્રમ પરમિશન વગર હોવાથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, વિપક્ષ નેતા અમી રાવત , કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવત, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત ભથ્થું સહિત કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલોસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ધરણાં કાર્યક્રમ શહેરની કલેક્ટર કચેરી સામે હોવાથી ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવી હતી.
આ પણ વાંચો: Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ
લોકશાહી ખતરામાં: આ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે દેશમાં લોકશાહી ખતરામાં છે. લોકશાહીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આજે આપ જોઈ શકો છો કે મોંઘવારી, બેરોજગારી સાથે ગુજરાતમાં સરકારી ભરતીમાં પેપર લીકેજ થાય છે. વડોદરામાં પ્રજાને વેરાનું વળતર નથી મળી રહ્યું સાથે મોંઘવારી ખૂબ વધી રહી છે. આજે વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત સાંભળવામાં આવતી નથી. જેથી લોકશાહી બચાવવા માટેના મૌન ધરણાં કરવામાં આવ્યા છે. અમારા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી જેનાથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. સત્યનો હંમેશા વિજય થાય છે.