વડોદરા: જીલ્લાના શિનોર પંથકમાં રવિવારે લાંબાગાળાના વિરામ બાદ વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘરાજાએ દોઢ કલાકની તોફાની ઈનિંગ કરતાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.
છેલ્લાં ઘણા સમયથી મેઘરાજાએ બ્રેક લેતા લોકો અસહ્ય ગરમીથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.જ્યારે, રવિવારે મેઘરાજાએ જોરદાર કમબેક કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત મળી હતી.
ઉલ્લેખનીય છે કે જગતનો તાત કહેવાતા ખેડૂતો પણ વરસાદને અભાવે પોતાના પાકને લઈને ચિંતાતુર હતા. પરંતુ મેઘરાજાએ શિનોર પંથકમાં તેજ પવનો અને કાળા ડિબાંગ વાદળો સાથે ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ વરસાદ પડવાના કોઈ સંજોગો ન હોવાનું હવામાન વિભાગનું માનવું છે. તો બીજી તરફ ગરમીનો પારો 35 ડિગ્રી સુધી પહોંચે તેવું અનુમાન છે. શિનોર તાલુકામાં 24 કલાકમાં 12 મિ.મી વરસાદ નોંધાયો હતો.