અમદાવાદઃ હાલમાં જ ઓક્ટોબર મહિનામાં નોટરી મારફતે સોગંદનામાં કરારના આધારે થયેલા લગ્ન કે છૂટાછેડા માન્ય નહીં ગણાય અને તે ગેરકાયદે રહેશે તેવો પરિપત્ર સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેથી હવે લોકોને કોર્ટમાં છૂટા છેડા લેવા જવાનું હોય છે. અદાલતની કાર્યવાહી ખર્ચાળ, લાંબી અને સમય માંગે છે. જેથી લોકોને છૂટાછેડા લેવામાં મુશ્કેલીઓ વધી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કાયદા વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સોગંદનામામાં કરારના આધારે લગ્ન કે છૂટાછેડા કરાવવા નોટરીને કોઈ અધિકાર નથી. કાયદા મંત્રાલયના નાયબ સચિવ રાજીવ કુમાર દ્વારા ઇશ્યુ થયેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નોટરી કાયદાની કલમ 8 તથા નોટરી કાયદાઓની 1556 ના નિયમ 11 ના પેટા નિયમ 8 માં લગ્ન કે છૂટાછેડા કરાવવાનું નોટરી ના અધિકાર ક્ષેત્ર કે કાર્યવાહીમાં આવતું ન હોવાનું સ્પષ્ટ સૂચવાયું છે. આ કાયદાકીય નિયમો અંતર્ગત નોકરી લગ્ન કે છૂટાછેડાના સોગંદનામામાં નોટરાઇઝ કરી શકતા નથી. નોટરી કાયદા 1952 કે નોકરી નિયમ 1956 હેઠળ નોટરી લગ્ન કે છૂટાછેડાને પ્રમાણિત કરવાના અધિકારો ધરાવતા નથી. તેઓને લગ્ન અધિકારી તરીકેની નિયુક્તિ નથી. આની સાથે આ પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નોટરી નિયમો 1956 ના નિયમ 13 નું સંબંધિત નોટરીઓએ પાલન કરવું ફરજિયાત છે અને થાન નોટરી કાયદાની કલમ 13 ની પેટા કલમ d તથા નોટરી 1956 ના નિયમ 13 ના પેટા નિયમ 12 9b હેઠળ પગલા કાર્યવાહી થઈ શકે છે.
આ મામલે એડવોકેટ નૂરાની ફિરોઝાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, કોઈપણ નોટરીએ છૂટાછેડા અથવા મેરેજ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ કરી ન શકે આના કારણે જે નીચલા વર્ગની મહિલાઓ હતી, જે ગરીબ મહિલાઓ હતી એ પતિ પત્નીના ઝઘડાઓના કારણે અંતે છૂટાછેડા લેવા માટે નોટરી પાસે જતી હતી. તેને બહુ જ સરળતાથી અને ઓછા ખર્ચે છૂટાછેડા મળી જતા હતા પરંતુ જ્યારથી આ નોટિફિકેશન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી જે સ્લમ વિસ્તારની બહેનો છે એને છૂટાછેડા લેવામાં અને મેરેજ રજીસ્ટ્રેશન કરવામાં બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોર્ટની પ્રક્રિયા બહુ જ લાંબી હોય છે, આર્થિક બોજ પણ વધે છે. નોટરી પાસે બેથી ત્રણ હજારમાં આ કામ થઈ જતા હતા પરંતુ જો કોઈ કોર્ટમાં ડાયવૉર્સ લેવા જાય છે તો તેને 15 થી 25000 જેટલો ખર્ચ થાય છે અને વકીલની ફીસ આપવી પડે છે.
તેમણે વધું જણાવ્યું કે, હું પોતે ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલી છું અને મહિલાના અધિકાર અને એમને લગતા કેસીસ ઉપર કામ કરું છું. દરરોજ છૂટાછેડાના ઘણા કેસિસ આવે છે. સંસ્થામાં જોવા જઈએ તો રોજના 10 કેસો આવે છે અને કોર્ટમાં પણ 10 થી 15 કેસીસ દરરોજ ડાયવોર્સ ના આવે છે.
આ મુદ્દે મેટ્રો કોર્ટના એક નોટરી રમેશચંદ્ર છતરાણીએ જણાવ્યું હતું કે, નોટરી લગ્ન કે છૂટાછેડાના એફિડેવિટ ના કરી શકે અને આવા સોગંદનામા કરનારા સામે કાર્યવાહી થશે એવો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે. આ સરકારી પરિપત્રથી અદાલતોમાં કેસીસનો ઢગલો થશે. અદાલતની કાર્યવાહી ખર્ચાળ અને સમય માગી લે છે. એટલે, પરસ્પર સહમતિથી લગ્ન કે છૂટાછેડા માટે નોટરીના સોગંદનામાં અને માન્યતા આપવી જોઈએ.
આ મામલે એડવોકેટ રફીક શેખે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લગ્ન કે છૂટાછેડા માટે નોટરી પાસેથી કરાર કરી લેવામાં આવતા હતા. આ પ્રકારે કરાર કરનારાઓનો ખૂબ જ મોટો વર્ગ છે પણ હવે લગ્ન કે છૂટાછેડા અંગેનો કરાર નોટરી કરી શકશે નહીં, તેવો આદેશ કેન્દ્ર સરકારના કાયદા વિભાગ એ જાહેર કર્યો છે. જેની અસર ખાસ કરીને ગરીબ વર્ગના લોકો ઉપર પડી છે. કારણ કે, હવે એમને કોર્ટમાં જવું પડે છે, અથવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. મારી પાસે છૂટાછેડાના ઘણા કેસીસ આવે છે. હવે આ લોકોને કોર્ટમાં જવું પડે છે. અમારી પાસે જે લોકો પહેલા નોટરી કરાવતા હતા એમાં કાયદા પ્રમાણે ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર છૂટાછેડા થતા હતા, પરંતુ અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે છૂટાછેડાનું રજીસ્ટ્રેશન થાય છે. તેમાં ખર્ચો વધારો થાય છે અને લોકો ઉપર આર્થિક બોજ પડે છે. ઉપરથી કોર્ટની પ્રોસિજરમાં ઓછામાં ઓછા છ મહિનાનો ટાઈમ લાગે છે. એટલે, લોકોને છૂટાછેડા લેવામાં તકલીફ પડી રહી છે અને મુશ્કેલીઓમાં વધારો થયો છે.