વડોદરા: જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સાવલી નગરની મુલાકાત લઈ નગર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને લોકોને કોરોના સામે સુરક્ષિત રહેવા લોક ડાઉનના કડક પાલન કરવાનો સંદેશ આપ્યો હતો.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ જોડાયાં હતાં અને ઉપયોગી સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટરે ધારાસભ્ય સાથે અંજેસર ગામે સુજલામ સુફલામ્ જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવાના કામનું નિરીક્ષણ અને પડતર ભાગમાં નવા કામનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટરે આ વિસ્તારના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજીને કોવિડ-19 અને આરોગ્ય ઉપરાંત વિવિધ બાબતોની ઉંડાણપૂર્વક સમીક્ષા કરી હતી.
તેમણે સાવલીમાં નોંધાયેલા એક કોરોના પોઝિટિવ કેસના અનુસંધાને લેવામાં આવેલા તકેદારીના પગલાં સહિત આરોગ્યની પરિસ્થિતિ, ખેડૂતો, દૂધ મંડળીઓ અને એપીએમસી વિષયક બાબતો, પાણી પુરવઠાની પરિસ્થિતિ, પુરવઠા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ, પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવા માટેની સંકલિત કાર્યવાહી જેવી બાબતોની સઘન સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરે કન્ટેનમેન્ટ ઝોનમાં દૂધ, શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેની કાળજી લેવા, આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓનું ઘેર ઘેર ફરીને વિતરણ કરાવવા અને સમગ્ર નગર અને તાલુકામાં ડોર ટુ ડોર આરોગ્ય તપાસ કરાવવા સૂચના આપી હતી.તેમણે નગરના લાલપરી કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત દરમિયાન નાગરિકો પાસેથી જાણકારી મેળવી તકેદારીના પાલનનો અનુરોધ કર્યો હતો અને કેજેઆઇટીમાં બનાવવામાં આવેલા કૉવિડ કેર સેન્ટરની આરોગ્યલક્ષી સુવિધાઓની બેઠકમાં માહિતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સાવલીમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતા તકેદારીના સઘન પગલાં કલેકટરના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યાં છે.
બાઈટ: શાલિની અગ્રવાલ, કલેક્ટર, વડોદરા