ડભોઈઃ સરકાર દ્વારા સેકશન 3 ઈન ધ ઓથ એક્ટ- 1969 અંતર્ગત તલાટી કમ મંત્રીઓને સોગંદનામા કરવાની સત્તા આપવામાં આવી છે. જેને વકીલોએ ખોટી અને અયોગ્ય ગણાવી છે અને તલાટીઓને કોઈ જ પ્રકારનું કાયદાકીય જ્ઞાન ન હોય તેમ જ તેઓ સોગંદનમા માટે સક્ષમ ન હોય આ કાયદો રદ કરવા માંગ કરી રહ્યા છે.
![ડભોઈમાં તલાટી કમ મંત્રી પાસે સોગંદનામા પર નોટરી કરવાની સત્તાનો વકીલોએ વિરોધ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9100366_dabhoi_gj10042.jpg)
વકીલોના કહ્યા પ્રમાણે, સામાન્ય રીતે વકીલોને પણ આ સત્તા 10 વર્ષની પ્રેક્ટિસ બાદ મળતી હોય છે. જેને નોટરી માટે વકીલ પાસેથી આંચકી લેવાતા વકીલોની જીવાદોરી છિનવાઈ જતી હોવાના આક્ષેપ સાથે ગુરુવારે ડભોઈના બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એસોસિએશનના પ્રમુખ દિપક ગજ્જર, મંત્રી રાજપૂત જુગલની આગેવાનીમાં વકીલો દ્વારા સરકારના તલાટીકમ મંત્રીઓને સોગંદનામાં કરવાની સત્તા આપવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સેવા સદન ખાતે સીરેસ્તદારને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર સરકારને પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જો આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ડભોઈ બાર એસોસિએશનના વકીલોએ ઉચ્ચારી હતી.