વડોદરાઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ અગ્રણીઓએ કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કરી પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને રજૂઆત કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવાની માગ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સરસ્વતી દેસાઈ, કાઉન્સિલરો અને હોદ્દેદારો જોડાયા હતા.