વડોદરા: વડોદરા શહેરની વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે દંપતીએ પસાર થતી ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે રેલ્વે પોલીસે મહિલા અને પુરુષનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ દંપતી શહેરના ખોડીયારનગર વિસ્તરમાં રહેતું હોવાનું સામે આવ્યું છે. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ક્લિનીંગ મટીરીયલનું દુકાન: પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સમી સાંજે વડોદરા શહેર નજીક વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે દંપતીએ આપઘાત મામલે આજે પરિવારની ઓળખ થઈ છે. આ દંપતી શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલ ખોડીયારનગર વિસ્તારમાં આવેલ ઉપવન હેરિટેજમાં રહેતા હતા અને તેઓના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. અને શહેરના એરપોર્ટ સામે ક્લિનીંગ મટીરીયલની દુકાન ચલાવતા હતા. જેમાં સુરજ પાંડે અને નીલુ પાંડે ઉંમર વર્ષ 24 હોવાનું સામે આવ્યું છે. આ બંને પોતાની દુકાનેથી ગઈકાલે સાંજે નીકળી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી.
અંગત ઝઘડામાં ભર્યું પગલું: શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા દંપતિ પોતાના પરિવારમાં માતા પિતા સાથે રહેતા હતા અને પિતા પોતે પેરાલીસીસ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરિવારનું કહેવું છે કે કોઈ પણ પારિવારિક કે આર્થિક તકલીફ નથી. આ બંને પોતાના અંગત ઝઘડામાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલોસે આ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી વધુ કાર્યવાહી આરંભી હતી.
મીડિયાના માધ્યમથી જાણ થઈ: આ અંગે પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ બંને નાના ભાઈના પુત્ર અને પુત્રવધુ છે. કાલે સાંજે અંદાજીત 5 વાગ્યાના અરસામાં દુકાન છોડી ચાલ્યા ગયા હતા. તેઓ ઘરે પરત ન ફરતા અમે તેઓને ફોન કર્યા હતા પરંતુ મોબાઈલ દુકાનમાં જ મૂકીને ચાલ્યા ગયા હતા અને આ બાબતે અમે શોધખોળ કરી હતી. આખરે વહેલી સવારે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે બે વ્યક્તિએ આપઘાત કર્યો છે અને તેમને પોસ્ટમોર્ટમ અર્થે એસેસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે અમને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને છે.