- વડોદરા જિલ્લામાં કોરોનાં વેક્સિન ડ્રાય રનનું આયોજન
- ભાયલી ખાતે ડ્રાય રનનું નિરીક્ષણ કરાયું
- શિક્ષણ સંસ્થાઓમાં 5 મોડલ રસીકરણ કેન્દ્ર બનાવીને અભ્યાસ કરાયો
વડોદરાઃ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભાયલી ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની રસી મૂકવાના પૂર્વ અભ્યાસ રૂપે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને યોજવામાં આવેલા ડ્રાય રનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી પણ તેમની સાથે જોડાયાં હતાં.
કોરોનાં રસી સલામત રીતે મૂકી શકાય તે માટેની તાલીમ ડ્રાય રન
શાલિની અગ્રવાલે જણાવ્યું કે, ડ્રાય રનએ કોરોના રસીકરણને સચોટ અને સલામત બનાવતી એક પ્રકારની તાલીમ છે. ડ્રાય રનનો અનુભવ સલામત અને સચોટ રસીકરણ માટે લેવાની તકેદારીઓની બાબતમાં ઉપયોગી નીવડશે. રસીકરણની કામગીરીમાં આરોગ્ય ઉપરાંત આશા કાર્યકરો, હોમગાર્ડ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓની સેવા લેવાની છે. તેને અનુલક્ષીને આ તમામને આ કવાયતમાં જોડવામાં આવ્યાં છે.
કોરોના રસીકરણએ પ્રથમ વાર હાથ ધરાનારી કામગીરી
કોરોના રસીકરણએ પ્રથમવાર હાથ ધરાનારી રસીકરણની કામગીરી છે. એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવતે જણાવ્યું કે, આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ પ્રકારની રસીઓ નિયમિત આપવામાં આવે છે. કોરોના નવો રોગ છે. રસી પણ નવી છે અને પ્રથમવાર આપવામાં આવનાર છે. તેને અનુલક્ષીને તકેદારી લક્ષી તાલીમ રસીકરણ કર્મચારીઓને આપવા આ ડ્રાય રન યોજવામાં આવી છે. આ ખૂબ વ્યાપક કામગીરીમાં ખાનગી તબીબી ક્ષેત્રનું યોગદાન લેવાનું છે. તેને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સરકારી અને ખાનગી આરોગ્ય અને શિક્ષણ સંસ્થાઓમાં 5 મોડેલ રસીકરણ કેન્દ્ર બનાવીને આજે આ પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો.