આ બેઠકમાં પૂરના કારણે નાગરિકોને કોઇ સમસ્યા ન નડે તે માટે અધિકારીઓને તમામ સહાય પૂરી પાડવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. વરસાદના કારણે વડોદરા શહેરમાં ચાર લોકોના મોત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજયભરમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં પડ્યો છે. વડોદરા વાસીઓ માટે સરકારે તમામ વ્યવસ્થા કરી છે. મારી અપીલ છે કે, વડોદરા શહેરની બહારના 13 ગામના લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેઓ 24 કલાક માટે સલામત સ્થળે ખસી જાય. વડોદરા વાસીઓની સુરક્ષા માટે SRP, NDRFની ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે એરફોર્સને પણ તૈયાર કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં વરસાદ બંધ છે પરંતુ આજવામાંથી પાણી આવશે તો વિશ્વામિત્રી નદીનું લેવલ વધી શકે છે પરિણામે વડોદરા શહેરમાં જાય તેમ છે, જેને લઇને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા સુચના અપાઈ છે. 400થી વધુ સિંચાઇના મોટા પંપ શહેરમાંથી પાણી ઉલેચવા માટે શુક્રવારે સવાર સુધી પહોંચી જશે.
વિજળી બાબતે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે, હાલ સમગ્ર વડોદરા શહેરમાં 80 ટકા વિજળી ચાલુ છે અને 20 ટકા વિજળીના ન હોવા પાછળ વિજળીના પાછળ ફીડર પાણીમાં હોવાને કારણે તકલીફ છે. બે IAS અધિકારી વિનોદ રાવ અને લોચન શહેરાને ત્યાં પહોંચવા સુચના અપાઈ છે. આગામી 5 દિવસમાં વડોદરામાં વરસાદની ભારે આગાહી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી છે. ટ્રાફિકને કારણે હાઈ-વે જામ થયા છે, તેને ચાલુ કરવાની દિશામાં પોલીસ કામે લાગી છે. જ્યારે વડોદરા શહેરમાં પૂરના કારણે ગુરુવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.