વડોદરા: વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના વેદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા મકાન નં-301માં પંકજગિરી ગોસાઇ પત્ની જયશ્રીબેન, માતા સવિતાબેન અને ફૂવા દાદા ભગવાનગિરી ગોસાઇ સાથે રહે છે. પંકજભાઇ સિવિલ એન્જિનિયર છે. આજે સવારે પરિવારના તમામ સભ્યો ઊંધી રહ્યા હતા. તે સમયે મકાનના ડ્રોઇંગ રૂમમા શોર્ટ સર્કિટને કારણે અચાનક જ આગ લાગી હતી.
આ સમયે પંકજભાઇ વોશરૂમમાં જવા માટે ઉઠ્યા હતા. જેથી તેઓએ ડ્રાઇંગ રૂમમાં લાગેલી આગ જોતા જ બેડરૂમમાં સુતેલા પત્ની અને માતા અને બાજુના રૂમમાં સુતેલા ફૂવા દાદાને જગાડીને બહાર કાઢીને બાલ્કનીમાં બેસાડી દીધા હતાં. આ આગ સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને પગલે પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાની જાણ થતાં સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે વડીવાડી ફાયર બ્રિગેડના જમાદાર પ્રવિણ સિસોદિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ પરિવારના 4 સભ્યોને ફ્લેટની બહાર કાઢ્યા હતાં. સમયસર આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. મકાન માલિક પંકજગિરી ગોસાઇએ જણાવ્યું હતું કે, હું સવારે ઉઠ્યો તે સમયે ઘરના ડ્રોઇંગ રૂમના સોફામાં લાગેલી આગ જોઇને ચોકી ઉઠ્યો હતો અને મારા પરિવારને ઘરમાં સુરક્ષિત જગ્યાએ મુકી દીધો હતો. જો કે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અમને બચાવી લીધા હતાં.