વડોદરા: સાવલી મંજુસર GIDCમાં આવેલી મનપસંદ બેવરેજીસ લિમિટેડ કંપની સાથે 100 કરોડની છેતરપિંડી કરનાર 1 ઈસમની જિલ્લા LCB પોલીસે ધરપકડ કરી હતી. કંપનીના માલિકને 100 કરોડની લૉન આપવાના બહાને કંપની પચાવી પડવાનું કાવતરું રચી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. કંપનીને 100 કરોડની સામે નજીવી રકમ ચૂકવી કંપની પચાવી પાડવાનો કારસો કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઇ હતી.
ફિનક્વિસ્ત ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રા.લી નામની ફાઇનાન્સિયલ કંપની સામે નોંધાઇ હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી આશરે ચાર મહિનાથી ફરાર હતો. જેની આજે જિલ્લા LCB ટીમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યાનુસાર, આરોપી પવન રાઠી તેના ઘરે હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તેના નિવાસ સ્થાને પહોંચી ગયો હતો અને તેની પત્નીની સામે જ પવન રાઠીની ધરપકડ કરીને ભાદરવા પોલીસના હવાલે કરી દીધો હતો. ભાદરવા પોલીસે ભેજાબાજ પવન રાઠી પાસેથી છેતરપિંડી અંગેની વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.