તાપી: હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલ પ્રેશરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાસા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી. હાલ ઉકાઈ ડેમમાં 2 લાખ 97,734 જેટલું પાણી આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં નવા નીરની આવક: હાલ ડેમની સપાટી 343.60 ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 16 દરવાજા ખોલી દેવાયા છે. જેમાં 15 દરવાજા 11 ફૂટ અને એક દરવાજો 9 ફૂટ ખોલી 2,97,734 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. ગત રોજની વહેલી સવારથી જ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક ચાલુ થઈ હતી.
સાવચેતીના ભાગરૂપે એલર્ટ: તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના આસપાસના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 10 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે. ડેમમાં સતત નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ નદી બે કાંઠે વહી રહી છે.