તાપી : આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા મુકામે કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેરી મિટ્ટી, મેરા દેશના રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનો પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાપી જિલ્લાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વિશ્વ આદિવાસી દિવસ : મહત્તમ આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના ગુણસદા ખાતે રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન દ્વારા આદિવાસી સમાજની વિવિધ યોજના તેમજ શૈક્ષણિક યોજનાની માહિતીથી ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
યુવાનોને પ્રોત્સાહન : ભુપેન્દ્ર પટેલ દ્વારા આદિવાસી સમાજના હક્ક, અધિકાર તેમજ શૈક્ષણિક યોજનાની જાણકારી આપી વિવિધ યોજનાના ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ તકે આદિવાસી સમાજના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત મહિલા રમીલાબેન ગામીતનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ રમતોમાં રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા આદિવાસી સમાજના દીકરા-દીકરીઓનું ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મેરી મિટ્ટી, મેરા દેશ : મુખ્યપ્રધાન દ્વારા મેરી મિટ્ટી, મેરા દેશના રાજ્યકક્ષાની ઉજવણી ગુણસદામાં આશ્રમશાળાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ વીર શહીદ એવોર્ડથી રિટાયર આર્મીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ બધી જે ખૂટતી કડીઓ છે જેને અમારે આવનાર સમયમાં પૂરી કરવાની છે. આવનાર સમયમાં સ્કૂલ સારી બને એના અમારા પ્રયત્નો છે.-- કુબેર ડિંડોર (શિક્ષણ પ્રધાન, ગુજરાત સરકાર)
પ્રશાસનની બેદરકારી : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આશ્રમશાળાની છાત્રાલયની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આશ્રમશાળામાં વીજળીના તાર છુટા હોવાનું તેમજ મકાન જર્જરિત હોવાનું તેઓને ધ્યાને આવ્યું હતું. આ અંગે તાપી કલેક્ટર સહિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. તેઓએ આશ્રમશાળામાં ખૂટતી કડીઓ સાથે જર્જરિત થયેલ રૂમોને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આવી હતી. હવે જોવાનું રહ્યું કે, પ્રશાસન તે કામ ક્યારે પૂર્ણ કરશે.