તાપી: આદિવાસી બહુલ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આંગણવાડી પ્રત્યે જાગૃત કરવાની સાથે, બાળકને જાતે આંગણવાડીમાં આવવાનું મન થાય તેવો માહોલ તૈયાર કરાઈ રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ આંગણવાડીઓમાં જુદી-જુદી શ્રેણીબદ્ધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
ભૂલકાઓને રીઝવવા અનોખો પ્રયાસ: જિલ્લાના આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ પ્રવેશ મેળવે તે હેતુથી બળદગાડામાં બાળકોને બેસાડી ઢોલ નગારા સાથે નાચતે ગાજતે ગીતો ગાઇ રેલી કાઢવામાં આવી. વધુમાં વધુ બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે અને વાલીઓ પણ જાગૃત થાય અને તેમના બાળકોને નાનપણથી જ ઘર આંગણે અભ્યાસ કરવા મૂકે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
ભૂલકાઓને ગમે એવો માહોલ તૈૈયાર કરાયો: વાલીઓએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં તેમના બાળકને પોષ્ટિક આહાર મળશે અને તે તંદુરસ્ત રહેશે. બાળકોને આંગણવાડીમાં રમવા માટેના સાધનો પણ રાખવામાં આવ્યા છે. તેથી બાળક અભ્યાસની સાથે તે રમી પણ શકશે અને તેનું બાળપણ જીવિત રહેશે. વાલીઓ જ્યારે છોકરાઓને આંગણવાડીમાં મૂકવા આવે છે ત્યારે બાળક રડતું હોય છે. પરંતુ આવા માહોલને જોઈ તે રડતું પણ નથી અને હસતા મુખે તે આંગણવાડીમાં અભ્યાસ માટે બેસી જતું રહે છે.
આંગણવાડી પ્રવેશ અને શાળા પ્રવેશ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે એના માટે ગ્રામ્યકક્ષાના ઢોલ, નગારા, બળદગાડા, અને પ્રાકૃતિક સૌન્દર્ય સાથે બાળકો સારી રીતે પ્રવેશ મેળવે અને વાલીઓ પણ પ્રોત્સાહિત થાય અને ઘર આંગણે અભ્યાસ મેળવે તે અંગે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો હર્ષોલ્લાસ થી જોડાયા હતા અને નાચતા નાચતા રેલીમાં ફર્યા હતા. - નૈતિકા ચૌધરી, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર