સુરેન્દ્રનગરઃ વઢવાણ 80 ફૂટ રોડ ઉપર અયોધ્યા નગર પાસે ભરાતી શાક માર્કેટથી નાના વેપારીઓ સાથે મહિલાઓ પણ પાથરણું પાથરીને શાકભાજી અને ફળોનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી. પંરતુ કોરોનાને કારણે તેમનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો. ત્યારે છેલ્લા 20 વર્ષથી ભરાતી શાકમાર્કેટને એકાએક હટાવી દેવામાં આવતા શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ અને વેન્ડર્સ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતી મહિલાઓ અને પુરુષો તંત્ર દ્વારા આપવામાં આવેલ કાર્ડ સાથે કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા અને આ મામલે અધિક કલેક્ટર એન.ડી.ઝાલાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલે આગેવાન સોનિયાબેન વૈષ્ણવ અને દિવ્યાબેન આગેવાનીમાં શાકભાજી અને ફ્રુટના વ્યવસાય સાથે સંકળાયેલા ચંપાબેન, વર્ષાબેન, રૂપાબેન, સુમીતાબેન, લીલાબેન, મધુબેન, રંજનબેન વગેરે જેવા 40થી વધુ વેપારી સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ આવીને ભરતી માર્કેટમાં પુનઃ શાકભાજી વેચવાની મંજૂરી માંગી હતી.