સુરેન્દ્રનગરઃ જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને જિલ્લાભરના ખેડૂતો પોતાની જમીનમાં સીઝન મુજબનું વાવેતર કરે છે, ત્યારે ખેડૂત એકતા મંચ દ્વારા રાજ્ય સરકારની કૃષિ સહાય યોજનામાં લખતર તાલુકાના ખેડૂતો સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે મામલે કૃષિ પ્રધાને તપાસના આદેશ આપ્યા બાદ ગ્રામ પંચાયતના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર સહિત 28 જેટલા બોગસ લાભાર્થીઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી.
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પોતાની જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરે છે, ત્યારે લખતર તાલુકાના ખેડૂતોએ પણ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને મોટા પાયે નુકશાની પહોંચી હતી. જેમાં જિલ્લાના મોટાભાગે દરેક તાલુકાના ખેડૂતોને પણ નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે સરકારની નુકસાની અંગે સહાય માટેની કૃષિ સહાય યોજના માટે જિલ્લા સહિત લખતર તાલુકાના ખેડૂતોએ પણ ગ્રામ પંચાયત દ્વારા સહાય માટે ઓનલાઇન અરજીઓ કરી હતી, પરંતુ આ યોજનામાં મોટા પાયે ભ્રસ્ટાચાર અને ગેરરીતિ થઇ હોવાનો અમદાવાદ ખાતે ખેડૂત એકતા મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ખેડૂતો સાથે ગેરરીતી થઇ હતી.