અમરેલીઃ અમરેલી જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ નગરપાલિકાની ચૂંટણી હોય તો તે છે જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી, પણ દર વખતે બિનહરીફ થતી પાલિકામાં આ વખતે ભાજપ સામે કોંગ્રેસ આવી અને 28 બેઠકો માંથી 25 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. જોકે રાજકીય પાસાઓ ફેંકવામાં માહેર ભાજપ દ્વારા 15 જેટલા કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હોવાના આક્ષેપો આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રમુખે કર્યા હતા.
હાલ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જાફરાબાદની નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાઈ ગયો છે. જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ ભાજપના ફાળે જાહેર થઈ છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને શામ દામ દંડ ભેદની નીતિથી ભાજપે ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લીધા હોવાનો આક્ષેપ કરાયો હતો.
જાફરાબાદ પાલિકામાં વગર ચૂંટણીએ ભાજપને 16 બેઠકો બિનહરીફ મળી જતા ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને વિજેતા 16 ઉમેદવારોના સન્માન કરાયા હતા. ધારાસભ્ય હીરા સોલંકી અને કોળી સમાજના અગ્રણી મનહર પટેલ દ્વારા વિજેતા ઉમેદવારોને મોં મીઠા કરાવ્યા હતા. જાફરાબાદ પાલિકામાં ભાજપની ભવ્ય જીતને ઢોલના નાદ સાથે વધાવી હતી.
જાફરાબાદ પાલિકામાં વોર્ડ નંબર 1, 5, અને 7 માં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા હતા. 28 માંથી 16 બેઠકો ભાજપની બિનહરીફ જાહેર થઈ હતી જ્યારે અમુક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણીઓ યોજાશે પણ હાલ જાફરાબાદ પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરિયો લહેરાયો હોવાની ખુશી ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના મુખે સ્પષ્ટ જોવા મળતી હતી.
આપને જણાવી દઈએ કે અગાઉ તાપીમાં નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપ બિનહરીફ બન્યું અને વિજેતા થયું. આ પછી જુનાગઢમાં પણ 9 બેઠક પર ભાજપ બિનહરીફ વિજય થયું છે. બોટાદમાં પણ 7 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થયું છે અને હવે ભચાઉમાં પણ ભાજપ 21 બેઠકો પર આ જ રીતે વિજેતા થયું છે.