સુરત: સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે હેતુથી યુનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પ્રવાસન, મત્સ્યોદ્યોગપ્રધાન જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસમાં કટિબધ્ધ હોવાનુ જણાવતા પ્રરધાને કહ્યું કે, આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તક પુરી પાડવા માટે રાજપીપળા ખાતે બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી.
આ વેળાએ આઝાદીની જંગમાં બલિદાન આપનારા બિરસા મુડા, ગુરૂ ગોવિંદગુરૂ જેવા અનેક શહિદવીરોને યાદ કરીને આદિવાસી સમાજનું અનેરા બલિદાનોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાન જવાહર ચાવડાના હસ્તે વનવાસી ખેડૂત સશકિતકરણ યોજના અંતર્ગત ડિઝલ એન્જીનના પ્રમાણપત્રો તથા જંગલ જમીનના હક્કપત્રકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઈન આદિવાસી વિસ્તારમાં 136 કરોડના વિકાસકામોનુ ઈ-માધ્યમથી લોકાર્પણ કરીને આદિવાસી સમાજને આદિવાસી દિનની શુભકામનાઓ આપી હતી.