સુરત : પાંડેસરા ખાતે કૈલાશ ચોકડી પાસે ગીતાનગર સોસાયટીમાં રહેતા અને મજુરીકામ કરતા 45 વર્ષીય રામનરેશ ઉર્ફે રામભવન નિશાદે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેના ભાઈની હત્યા કરનાર ઇન્દ્રરાજ ઉર્ફે ડાંગી, ઇન્દ્રભાન ઉર્ફે ભોલા અને અંકીત ની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. આ ત્રણેય આરોપીઓએ રામનરેશના ભાઈ અરવિંદને ઘરનો સામાન ચોરી કરવાના વહેમમાં તેમાના રૂમમાં ગોંધી રાખ્યો હતો અને પછી પ્લાસ્ટીકના પાઈપ તથા લાત ઘુસા વડે માર માર્યો હતો, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું.
ત્રણેય ભાઈઓએ મૃતકને માર મારતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મૃતકના મિત્ર જ હતા. આરોપીઓની માતાને લાગ્યું હતું કે ઘરમાંથી જે પણ વાસણ અને અન્ય સામાન ચોરી થયા છે તે મૃતક દ્વારા કરવામાં આવ્યો છે. - એન.કે. કામલીયા, PI (પાંડેસરા)
ચોરીની શંકામાં હત્યા કરી : પાંડેસરા પોલીસે રામનરેશને ફોન કરીને નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં બોલાવ્યા હતા અને તેના ભાઈની લાશ ઓળખવા કહ્યું હતું. તેનો ભાઈ 40 વર્ષિય અરવિંદ ઉર્ફે રઘુના માથાના ભાગે તથા દાઢીના ભાગે તથા પગ અને હાથમાં ઇજા થતા લોહી નીકળ્યું હતું. પોલીસે બનાવ અંગે પુછપરછ કરતા મૃતક આરોપીઓનો મિત્ર છે અને રાત્રે તેમના ઘરે જ સુઈ ગયો હતો. સવારે આરોપીઓની માતા ગોમતીદેવી ઘરે આવી ત્યારે તેને ઘરમાંથી વાસણ અને કોઈ સામાન ચોરી થયો હોય તેવી શંકા તેના ત્રણેય પુત્રો પાસે વ્યક્ત કરી હતી.