નવસારી: શહેરમાં ગઈ કાલથી ત્રણ દિવસ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
રાજયના ખેડૂતોને આપી મોટી ભેટ: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનો ગઈકાલથી શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલ અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું ઉદ્ધાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજયના તમામ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પ્રાકૃતિક ખેતીનો મહિમા કહીને સી.આર.પાટીલે ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ સાથે જ જળ સંગ્રહ અને સંચય થકી પર્યાવરણ અને આગામી પેઢીને જ્વલંત ભવિષ્ય આપવા માટે ખેડૂતોને સરકારનો સહકાર આપી અનેકવિધ યોજનાનો લાભ લેવા તાકીદ કરી હતી.
કૃષિ મંત્રીનું નિવેદન: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,'ડુંગળીનું ઉત્પાદન વધુ થવાના કારણે ભાવો ઘટ્યા છે. ખેડૂતોને પોષણસમ ભાવ મળી રહે તે બાબતની અમે કેન્દ્ર સરકારને પણ ધ્યાન દોરીશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય. જેની વિચારણા કર્યા બાદ મહત્વના નિર્ણય લેવામાં આવશે. ખેડૂતોને પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે જે તે પાકોની ઉત્પાદનના શરૂઆતના તબક્કામાં જ પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ખરીદી કરવામાં આવે છે, જેમાં રાજ્યમાં ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં આયોજન ટેકાના ભાવે કરવામાં આવ્યા છે. ખેડૂતોને પુરા ભાવો મળી રહે એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત છે.'
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે,'ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે.' તેમજ કૃષિ મેળા જેવી ખેડૂત કલ્યાણકારી માટેની ઐતિહાસિક પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. સોયેલ હેલ્થ કાર્ડ યોજના, કિસાન સૂર્યોદય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી અનેક ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલને કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કેમ્પસમાં બનાવેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ યુનિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે બંને મંત્રીઓ એગ્રો ટેક્ષટાઇલ સંબંધીત પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. કૃષિ મંત્રી રાઘવજી પટેલની કૃષિ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત કરી હતી.
120 થી વધુ પ્રદર્શન સ્ટોલ: નવસારી કૃષિ યુનિવર્સિટીના પટ્ટાગણમાં ત્રણ દિવસ સુધી ચાલનાર આ કૃષિ મેળામાં રાજ્યના 25,000 થી વધુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિષે માહિતગાર કરાશે. ખેડૂતોને વિવિધ વિષયો અને ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી ની મદદથી ખાતર છંટકાવવું નિદર્શન પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત 120 થી વધુ પ્રદર્શન સ્ટોલ થકી પાકોના ઉત્પાદનની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે તેમજ વિવિધ કલ્યાણકારી ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર પણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, સરકારના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ દેસાઈ, સસ્મીરાના પ્રમુખ મિહિર મહેતા, ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ સક્સેના, નવસારી કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ, દક્ષિણ ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિના તાંત્રિક અધિકારીઓ, કૃષિ ક્ષેત્ર તેમજ આત્માના અધિકારીઓ, કૃષિ સંલગ્ન વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને વિતરકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: