- વાપીમાં વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિતિ
વલસાડ : રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં 76 મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ શ્રી કે. એચ. દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર PTC ગ્રાઉન્ડમાં થયેલ આ ઉજવણીમાં જિલ્લાના રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો, શહેરીજનો અને વિદ્યાર્થીઓએ તિરંગાને સલામી આપી હતી.
વાપીમાં આયોજિત જિલ્લા કક્ષાના 76 મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી, માર્ચ પાસ્ટ પરેડની સલામી ઝીલી અને વિવિધ ટેબ્લોનું પ્રદર્શન નિહાળી જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિકાસના કામો અર્થે 25 લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ સેવાકીય ક્ષેત્ર, રમતગમત ક્ષેત્રે તેમજ પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ સેવા બદલ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આખરે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત ગાઈ પરેડ વિસર્જન કરી વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
- સુરતમાં 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, મધુર સુરાવલી વચ્ચે પોલીસ અને સુરક્ષા દળોની પરેડ
સુરત : રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં 76 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઉમરપાડા તાલુકાના વાડી સૈનિક સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. શિક્ષણમંત્રીએ ત્રિરંગાને સલામી આપી, પરેડનું નિરીક્ષણ કરી અને સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશભક્તિના ઉમંગ ભર્યા માહોલમાં થયેલી ઉજવણી દરમિયાન મંત્રીએ સ્થાનિક નગરજનો, વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉમરપાડા તાલુકાના વિકાસ માટે રૂ. 25 લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીને એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કર્યું હતું.
આ અવસરે નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવા આપનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. આ વેળાએ પોલીસ બેન્ડની મધુર સુરાવલિની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોએ પરેડ કરી હતી. શાળાના બાળકોની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા હતા. વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.
- બનાસકાંઠામાં 76 મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતા
બનાસકાંઠા : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. દાંતા તાલુકાના અંબાજી સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
બનાસકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ. 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી, પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી. બાદમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેત ભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક જિલ્લા કલેકટર સી. પી. પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ,પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.