સુરત : સારોલી નજીક સુરત પોલીસે ગોલ્ડના 14 બિસ્કિટ સહિત રૂ. 8.58 કરોડનું સોનું જપ્ત કર્યું છે. સાથે બે શખ્સની પણ અટકાયત કરી છે. આરોપી પાસેથી સ્વીસ કંપનીના માર્કવાળા સોનાના બિસ્કીટ મળી આવતા મામલો દાણચોરીનો હોવાની પ્રબળ આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં દાણચોરીનું ગોલ્ડ ઝડપાયુ : સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. આર. વેકરીયા અને તેમની ટીમ ગુરૂવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં સારોલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક સિલેરિયો કારમાં પાંચ વ્યક્તિઓ સોનાનો મોટો જથ્થો લઈને પસાર થઈ રહ્યા છે. પોલીસે બાતમીને આધારે ચોક્કસ નંબરની કાર આવતા તેને અટકાવી હતી. કારની પાછળ લોખંડના સળીયા પડ્યા હતા.
બિલ વગરનું 8.58 કરોડની કિંમતનું સોનુ : મામલો શંકાસ્પદ લાગતા પોલીસે કાર સવારોની તલાશી લેતા 65 વર્ષીય મગન ધનજી ધામેલીયા અને તેને ત્યાં કામ કરતા 31 વર્ષીય હિરેન ભરત ભટ્ટી પાસેથી સોનાના બિસ્કીટ, ટુકડા અને ભૂકાના સ્વરૂપે 14 કિલો 700 ગ્રામ સોનું મળી આવ્યું હતુ. આશરે 8.58 કરોડની કિંમતના આ સોનાના જથ્થાનું બિલ નહીં મળતા પોલીસે BNSS કલમ 106 અંતર્ગત સોનું સિઝ્ડ કરી બંનેને જામીન પર મુક્ત કર્યા હતા.
આવી રીતે છુપાવ્યું હતું સોનું : પોલીસે કાર અટકાવી તેમાંથી પાંચ વ્યક્તિઓ મળી હતી. જે પૈકી બે પાસે સોનું હતું. બંનેએ સોનું આંતરિક વસ્ત્રોમાં છુપાવીને રાખ્યું હતું. સોનું છુપાવવા માટે સ્પેશિયલ બનિયાન અને ચડ્ડો બનાવ્યો હતો, જેમાં ગુપ્ત ખિસ્સા હતા. આ ખિસ્સામાંથી 17 કિલોની ઉપરનું સોનું મળતા પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. પોલીસ અને કસ્ટમથી બચવા આ ગુપ્ત ખિસ્સાવાળી ખાસ બનિયાન બનાવી આવી હતી.
સ્વિત્ઝરલેન્ડની કંપનીના ગોલ્ડ બિસ્કીટ : ઇન્સ્પેક્ટર એસ. આર. વેકરીયાએ જણાવ્યુ કે, સોનાનાં જથ્થા પૈકી 100 ગ્રામની 14 બિસ્કીટ પણ મળી આવી હતી. આ બિસ્કીટ સ્વિત્ઝરલેન્ડની વેલકેમ બી. શુશ કંપનીની છે. જેની પાસેથી સોનાનો જથ્થો મળ્યો હતો તેનું બિલ નહીં હોવાની સાથે જો પહેલેથી જ બિસ્કીટ સ્વરૂપે રહેલું આ સોનું ઓગળાવી નવી બિસ્કીટ બનાવવા પાછળ આ માલ દાણચોરીની આશંકા પ્રબળ બની છે. આ જ્વેલરી શોપમાં સોનું આપી ગયેલા વેપારી અને ગ્રાહકોની ડિટેઇલ પોલીસે મંગાવી છે.