સુરત: કોરોના વાઇરસની મહામારી વચ્ચે સુરતમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે. આ વચ્ચે હીરા ઉદ્યોગ બંધ રહેતા રત્ન કલાકારોની હાલત પણ કફોડી બની છે. રત્ન કલાકારોના પગાર પણ બાકી છે. જો કે લોકડાઉનના કારણે સેફ ડિપોઝીટ બંધ રહેતા હીરા વેપારીઓ પગાર કરી શકે તેવી સ્થિતિમાં નથી.
આ મામલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સુરત ડાયમંડ એસોસિયેશનને રજુઆત કરી હતી. જે રજુઆત એસોસિયેશને સુરત જિલ્લા કલેકટરને કરી હતી. કલેકટરે રજુઆતને ધ્યાનમાં રાખી હીરા બજારના તમામ સેફ ડિપોઝીટ બે દિવસ ખુલ્લા રાખવા પરવાનગી આપી છે.
26 અને 27મી તારીખના રોજ હીરા બજારના તમામ સેફ ડિપોઝીટ વોલ્ટને બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી છે. જ્યાંથી વેપારીઓ પોતાની ડિપોઝીટ ઉપાડી શકશે.