જૂનાગઢ: ગુજરાતમાં નકલીની જાણે કે બોલબાલા અને રાફડો ફાટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અને અહેવાલો પાછલા કેટલાક મહિનાથી સતત પ્રકાશમાં આવી રહ્યા છે. નકલી IAS, IPS થી લઈને પ્રધાનોના અંગત સચિવ સુધીના વ્યક્તિઓ નકલી પકડાયા છે. તેમાં હવે જૂનાગઢ શહેરમાં ઉપરકોટ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પરથી નકલી પાર્કિંગ પોલીસે પકડી પાડીને પાર્કિંગ ચલાવતા મોહન મંગે નામના એક આરોપીની અટકાયત કરી છે.
હાલમાં દિવાળીના તહેવારને લઈને જૂનાગઢમાં પ્રવાસીઓનો ખૂબ ભારે ઘસારો જોવા મળતો હતો. તેને ધ્યાને રાખીને આ જ વિસ્તારમાં રહેતા મોહન મંગે નામના એક વ્યક્તિએ સરકારી જમીન પર નકલી પાર્કિંગ ઊભું કરીને તેમાંથી પ્રવાસીઓ પાસેથી પૈસાનો તોડ કરતાં હોવાની વિગતો સામે આવતા પોલીસે આરોપી મહેશ મંગેની અટકાયત કરી છે.
સરકારી જમીન પર ઊભું કર્યું પાર્કિંગ
જૂનાગઢ રેન્જ આઈ.જી નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાની સૂચના અનુસાર તહેવારોના આ દિવસો દરમિયાન પ્રવાસન સ્થળ વિસ્તારમાં પોલીસનું ચુસ્ત પેટ્રોલિંગ રહે તે માટે આદેશો કરવામાં આવ્યા હતા. તે અંગે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બી.બી કોળીએ આ વિસ્તારમાં તપાસ કરતા મહેશ મંગે નામનો ઈસમ સરકારી જમીન પર પ્રવાસીઓની કાર અને અન્ય વાહનો પાર્કિંગ કરાવીને પ્રત્યેક વાહન માલિક પાસેથી પાર્કિંગ પેટે ₹100 પાર્કિંગ ચાર્જ વસૂલતો હતો. આ વિગતો પોલીસને મળતા પોલીસે આજે અચાનક આ વિસ્તારમાં તપાસ કરતાં મહેશ મંગે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જેને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નકલી IAS, IPS બાદ હવે નકલી પાર્કિંગ
પાછલા કેટલાક મહિનાઓથી રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ નકલી જજ પકડાયો હતો, જેણે અનેક જમીનના ચૂકાદા આપી દીધા હતા. તો અગાઉ નકલી ટોલ બુથ પણ સામે આવી ચૂક્યું છે.
આ પણ વાંચો: