બનાસકાંઠા: આગામી 13 નવેમ્બરના રોજ યોજાનારી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યાં છે. ત્યારે નેતાઓ મતદારોને આકર્ષવા માટે અંતિમઘડીના પ્રયાસો કરી રહ્યાં છે. જે અંતર્ગત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં ભાભર ખાતે ઠાકોર સમાજના એક સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગેનીબેનનું શક્તિપ્રદર્શન: આ કાર્યક્રમમાં અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં લોકોને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, ખાસ કરીને ગૃહરાજ્ય મંત્રીને વળતો જવાબ આપતા ગેનીબેન કહ્યું કે, ગૃહમંત્રી પોતાને બનાસકાંઠાના વતની કહે છે, પરંતુ બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતિની તેમને ખબર નથી. મહત્વપૂર્ણ છે કે, સોમવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપની પણ એક સભા યોજાઈ હતી, જેમાં ભાજપના નેતાઓએ ગેનીબેન ઠાકોર સહિત ગુલાબ સિંહ રાજપૂત પર ટિપ્પણીઓ કરી હતી.
ભાજપ પર પ્રહાર: સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મુખ્યમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે, સરકાર કામમાં નિષ્ફળ ગઈ છે અને જો કામ કર્યા હોત તો આજે તેમને ગામડે ગામડે ફરવું ન પડતું હોત. સાંસદે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે ગૃહમંત્રી આમ તો બનાસકાંઠાના વતની છે, તેવું કહેતા હોય છે પરંતુ તેમને બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ વિશે જરા પણ ખબર નથી. જે ગુલાબસિંહ રાજપૂતને તેઓ આયાતી ઉમેદવાર કહે છે તેઓ વાવ તાલુકાના અસારવા ગામના જ છે અને તેમના દાદાએ વર્ષો સુધી જનતાની સેવા કરી છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, તેમણે 28 વર્ષના જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું અને ક્યારેય સત્તાનો પાવર આવ્યો નથી. આમ ગેનીબેન ઠાકોરે મતદારોને કોંગ્રેસને જીતાડવા માટે અપીલ કરી હતી
13 નવેમ્બરે ખરાખરીનો જંગ: મહત્વપૂર્ણ છે કે, આગામી 13 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એમાં પણ ભાજપથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની સૌથી વધુ સીધી ટક્કર થવાની છે. ત્યારે જોવું રસપ્રદ રહેશે કે કોંગ્રેસનો ગઢ ગણાતા વાવના મેદાનમાં કોણ બાજી મારી જાય છે.