સુરત : શહેરમાં વહેલી સવારથી ધોધમાર મેઘરાજા વરસી રહ્યા છે. શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા, મોટા વરાછા, ઉધના લીંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ, વેસુ પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમ્મસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં અંધકારપટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા : નવી સિવિલ હોસ્પિટલના કેસ બારીના ગેટ પાસે વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. તો સ્વીમેર હોસ્પિટલની અંદર જ પાણી ટપકવામાં કારણે ત્યાં કેસ બારી પાસે પાણી પાણી થઇ ગયું છે. તો શહેરના ખાસ કરીને લિંબાયત, મીઠીખાડી, ભૂલકા ભાવન, રૂપાલી નહેર, અડાજણ, ઉધના મેઇન રોડ, રેલ્વે સ્ટેશન, સાંઈ ટેક્સટાઈલ માર્કેટ, સહારા દરવાજા બ્રિજ નીચે ગુથણીયા સુધીના પાણી ભરાઈ ગયા છે. તો ઘણી જગ્યા પર અર્ધી બાઈક ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. જેથી લોકોને અને સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વરસાદની પાણી સાથે મજા માણતા લોકો ગરબા પણ રમી રહ્યા છે.
વરસાદની આગાહી : હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 19થી 20 જુલાઈ સુધી સુરત જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે અત્યાર સુધીમાં સુરત શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.