સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત એવી બની ઘટના બની છે કે છેલ્લા 24 કલાકમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન નોંધાયું છે. અંગદાનની પ્રવૃત્તિમાં આવેલા વેગનું ઉદાહરણ પૂરું પાડતાં ત્રણ વ્યક્તિઓના અંગદાનથી 10 લોકોને નવું જીવન મળ્યું છે.
સોટો ટીમનો અવિરત પ્રયાસ સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિમાં વેગ આવવામાં સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસો કારણભૂત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલા બ્રેઈનડેડ વ્યકિતઓના 10 અંગોનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બની છે. સુરત સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રથમ વખત 24 કલાકમાં જ ત્રણ વ્યક્તિઓએ અંગદાન કર્યું છે.
આ પણ વાંચો Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ Surat News: નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો |
કિડની અને લિવરનું દાન મળ્યું પહેલા અંગદાનમાં 35 વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડેનું અંગદાન મળ્યું હતું. અવિનાશ લક્ષ્મણ ધોડાડે ગત 30મી એપ્રિલના રોજ ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે અકસ્માત થતા તાત્કાલિક વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલમાં રીફર કરાયા હતા. અહીં તેેઓ સારવાર દરમિયાન બ્રેઈનડેડ થતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારે સંમતિ આપતાં અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું.દાનમાં મળેલી કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અન્ય દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવાયું હતું.
પ્રથમવાર હૃદયનું દાન થયું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હૃદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું. આ બીજા અંગદાનમાં શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા 45 વર્ષીય દીપક સંતોષ ચૌધરીને ગત 1 એપ્રિલના રોજ ચક્કર આવતાં બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને ડૉક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને પણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી પરિવારે સંમતિ આપી હતી. જેથી દીપક ચૌધરીના બે કિડની તથા હૃદયનું દાન સ્વીકારાયું હતું. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હૃદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું.
સુરત સિવિલ હોસ્પિટલથી બીજીવાર આંતરડાનું દાન ત્રીજા અંગદાનમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાંને ત્યાં રહેતાં 23 વર્ષીય પ્રીતેશ રાજભર જેઓનું ગત 30મી એપ્રિલના રોજ રાતે બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે ગણપત નગર પાસે રોડ પર અકસ્માત થતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત 2 મેના રોજ તેમને ડોક્ટર દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને પણ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારે સંમતિ આપતા જ પ્રીતેશના લીવર અને બે કિડની IKD અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યાં હતાં અને આંતરડા મુંબઈ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. આમ સુરત સિવિલ હોસ્પિટલથી બીજીવાર આંતરડાનું દાન નોંધાયું હતું.
હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે. મૃતકોના પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી સુરતમાં અંગદાનની સરવાણી વહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સોટોની ટીમ સભ્ય સિવિલ હોસ્પિટલમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના 10 અંગોનું મહાદાન થયું છે. આમ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન 24 વ્યકિતઓના અંગદાન થયા છે. અત્યાર સુધીમાં કુલ 68 અંગોનું દાન કરાયું છે, જેમાં 19 લીવર, 42 કિડની, 3 હાથ, 1 સ્વાદુપિંડ, 2 આંતરડા તથા 1 હૃદયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.