સુરત: દેશભરને હજમચાવી દેનાર સામૂહિક આપઘાત ઘટનામાં પોલીસને તપાસ દરમિયાન જે જાણકારી મળી હતી જે તે ચોકાવનારી હતી. સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તાર ખાતે આવેલા નૂતન રો હાઉસમાં એક સાત મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ હતી. ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષે પોતાની દીકરી અને માતાની ગળા દબાવી હત્યા કર્યા બાદ પત્ની પિતા અને અન્ય બે બાળકોને ઝેરી પદાર્થ પીવડાવી આત્મહત્યા કરી દીધી હતી. તે સમયે પોલીસને તેના મકાનમાંથી એક સુસાઇડ નોટ મળી આવ્યો હતો.
પૈસાની માંગણી કરતો હતો: તપાસ દરમિયાન પોલીસને મનીષ સોલંકીના ઘરમાંથી બીજી એક સુસાઇટ નોટ મળી આવતા મોટો ખુલાસો થયો છે. આ સુસાઇડ નોટમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મનીષના ભાગીદાર ઇન્દ્રપાલ વીસ બિલો માટે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. આશરે 25 લાખ રૂપિયા બિલની ભરપાઈ કરવા માટે તેને જણાવ્યું હતું. આ દબાણમાં મનીષે બે લોન માટે અપ્લાય પણ કર્યું હતું જેમાંથી એક લોન પાસ થઈ ગયું જ્યારે બીજો પાસ થઈ શક્યો નહોતો જેથી તે દબાણમાં આવી ગયો અને તેને આ પગલું ભર્યું હતું. બીજી બાજુ આ સમગ્ર મામલે ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પોલીસ સ્ટેશનમાં અચાનક જ તેની તબિયત લથડતા તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
'આ કેસમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમના અધિકારીઓ સતત આ આપઘાત કેસમાં તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસને અન્ય એક સુસાઇડ નોટ મળી આવતા મોટી કડી મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં મનીષે પોતાના ભાગીદાર ઇન્દ્રમલ વિશે લખ્યું હતું તેને જણાવ્યું હતું કે સતત તે પેમેન્ટ માટે દબાણ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો. ઈન્દ્રમલ સેલ્સમેન હતો ત્યારે મનીષ સાથે પરિચય થયો હતો. થોડાક મહિના પહેલા જ બંને પ્લાયવુડનો ધંધો શરૂ કર્યો હતો. 20 થી 25 બિલો બાકી હતા જે ભરવા માટે તે સતત દબાણ કરી રહ્યો હતો અને દિવાળી સુધી આ બિલ પેમેન્ટ કરવા માટે તેને જણાવ્યું હતું.' -રાકેશ બારોટ, ડીસીપી
ગળે ફાંસો ખાઈ આપઘાત: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મનીષના બનેવી ઘનશ્યામ પરમારની ફરિયાદના આધારે અમે તેના ભાગીદાર સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ઇન્દ્રપાલની ધરપકડ કરી છે. મનીષ માઈગ્રેન માટે બે જગ્યાએ સારવાર પણ લઈ રહ્યો હતો પરંતુ વારંવાર કરવામાં આવી રહેલ દબાણના કારણે તેને પહેલા દીકરી અને માતાની હત્યા કરી અને ત્યારબાદ અન્ય લોકોને પણ ઝેરી દવા આપી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.