સુરત: શહેરમાં કોરોનાના વધતા વ્યાપને લઈને ચિંતિત શહેરીજનો હવે સિવિલ અને સ્મીમેરમાં ટેસ્ટ કરાવવાને બદલે અન્ય લાયસન્સડ લેબોરેટરીનો સહારો લઈ રહ્યા છે. જોકે આ વચ્ચે સુરતની માઇક્રોકેર લેબોરેટરીને 18 મે ના રોજ NABL અને ICMRની મંજૂરી તો મળી ચુકી છે, પરંતુ રાજ્ય સરકારની મંજૂરી મળી ન હોવાને કારણે તેઓએ ટેસ્ટિંગ માટે આવતા લોકોને ના પાડવી પડી રહી છે.
NABL અને ICMRની મંજૂરી બાદ 19મી મે ના રોજ રાજ્ય સરકાર પાસે પરમિશન માગવામાં આવી હતી. જે બે મહિનાથી મળી નથી. મહત્વની તો વાત એ છે કે આરોગ્ય સેતુ એપ્લિકેશન અને ગુગલમાં પણ લેબનું નામ અને નંબર હોવાથી કોવિડ -19 ટેસ્ટ વિશે પૂછપરછ કરવા માટે દરરોજ તેઓને 100થી વધુ ફોન આવી રહ્યા છે, પરંતુ તેઓએ ના કહેવાની ફરજ પડે છે. વળી જ્યારે ફોન કરનારને સિવિલ અને સ્મીમેરમાં ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ ડરને કારણે ત્યાં ન જઈને ખાનગી લેબોરેટરીમાં જ ટેસ્ટ કરાવવા જણાવે છે.
આ તકે ડો.ધનજી રાજાણીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં અને ગુગલ ઉપર નંબર હોવાને કારણે કોરોના ટેસ્ટિંગ માટે રોજના 100 ફોન આવી રહ્યા છે. જેમને ના પાડવી પડી રહી છે. ફોલો અપમાં ફાઈલ પ્રોસેસિંગમાં છે એટલું જ કહેવામાં આવી રહ્યું છે. જેથી રાજ્ય મંજૂરી ન આપે ત્યાં સુધી અમારા હાથ બંધાયેલા છે. અમે તેના વિશે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ઓફિશિયલ મેઈલ કર્યો છે, પરંતુ હજુ સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી.