સુરત : સુરતની કામરેજ પોલીસની હદમાં નવાગામ ખાતે દાદા ભગવાન કોમ્પ્લેક્સ બિલ્ડીંગનાં રૂમ નં-804માં રહેતા નિરાલીબેન હર્ષદીપ ભટ્ટના પતિ મ્યુઝિશિયન અને કર્મકાંડનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા દસ મહિનાથી ભાડે રહેતા હર્ષદીપ ભટ્ટ અવારનવાર પોતાનાં ગાયકીનાં કામે બહારગામ જતા આવતા હોય છે. ત્યારે આ ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો.
વહેલીસવારે ચોરીની જાણ થઇ : ગત તા.13 નાં રોજ નિરાલીબેન પોતાનાં પતિ સાથે સુરત પતિના સંગીતના વાજીંત્રો લેવા માટે બાઇક ઉપર ગયા હતાં. પરત આવી રાત્રીનાં 9:30 ના અરસામાં બેંકમાંથી લાવેલા ઘરેણાં બેડરુમમાં કબાટમાં મુક્યા હતાં. બીજા દિવસે હર્ષદીપ ભટ્ટ સંગીતનાં કાર્યક્રમ માટે મુંબઇ રવાના થયા હતાં. રાત્રીનાં 11 વાગ્યે પત્ની નિરાલીબેન નજીક આવેલા પોતાનાં માતાપિતાને ત્યાં ગયા હતાં. બીજા દિવસે સાંજે પોણા પાંચ વાગ્યે ઘરે પરત ફરતા ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરતા બેડરૂમના કબાટમાં રાખેલા 3.82 લાખની કિમતના દાગીના ચોરાઈ ગયાની જાણ થઈ હતી.
કામરેજ પોલીસ મથકે ફરિયાદ : ચોરીની ઘટનાને લઇને નિરાલીબેને હાલ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ફરિયાદની ફરિયાદ આધારે સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ કરી આરોપીઓના કોલર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી.
આ બાબતે કામરેજ પોલીસને ફરિયાદ મળી છે. જે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. કોમ્પલેક્સના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યાં છે...હેમંતભાઈ (પોલીસકર્મી, કામરેજ પોલીસ મથક)
ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી : ગતરોજ સુરત શહેરના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તસ્કરો રાત્રિના સમયે ઇલેક્ટ્રિક કટર વડે વૃક્ષ કાપીને તેની ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.
સિક્યુરિટી એજન્સીના રેઢિયાળ વહીવટ : ગતરોજ સુરતમાં ચોકબજાર સ્થિત ઐતિહાસિક ગાંધીબાગ આવેલું છે. આ બાગમાંથી રાતના સમયે અજાણ્યા ઈસમો ઇલેક્ટ્રિક કટર વડે ચંદનનું વૃક્ષ કાપીને ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પુષ્પા સ્ટાઈલમાં ચંદનના વૃક્ષની ચોરી થતા ગાંધીબાગમાં સિક્યોરિટી અને CCTV કેમેરાની વચ્ચે ચોરી થતાં પાલિકાની સિક્યુરિટી એજન્સીના રેઢિયાળ વહીવટ સામે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.
વારંવાર ચંદન વૃક્ષની ચોરી : મહત્વનું છે કે, અગાઉ પણ બે વર્ષ પહેલા ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષ ચોરીની ઘટના સામે આવી હતી, ત્યારે આજે વધુ એક વખત ચંદનના વૃક્ષ ચોરી થયા છે. હવે ગાંધીબાગમાં ચંદનના આઠેક જેટલા વૃક્ષ બાકી છે. જો પાલિકાની સિક્યુરિટી આવી જ રીતે ઊંઘતી રહી, તો ગાંધીબાગમાં એક પણ ચંદનના વૃક્ષ સલામત નહી રહે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.